જામનગર જિલ્લામાં કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ગઇકાલે પણ મેઘરાજાનો મુકામ જોવા મળ્યો હતો. અડધાથી દોઢ ઇંચ જેટલા વરસાદથી ખેડૂતો અને લોકોમાં આનંદની લાગણી થઇ હતી. બીજી તરફ કોરો ધાકડ રહેલ ધ્રોલ શહેરમાં પણ આજે સવારે મેઘરાજાની પધરામણી થઇ હતી.
જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત બે દિવસથી વરસાદી માહોલથી લોકો ખુશખુશાલ થયા છે. ગુરૂવારે 3 થી 4 ઇંચ વરસાદ બાદ ગઇકાલે શુક્રવારે પણ કેટલાક ગ્રામ્ય પંથકોમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જામનગર તાલુકાના ફલ્લા ગામમાં પણ વરસાદી ઝાપટુ જોવા મળ્યું હતું. કાલાવડ તાલુકાના નવાગામમાં વધુ અડધો ઇંચ પાણી વરસ્યુ હતું. જામજોધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સતત બીજા દિવસે મેઘરાજાનો મુકામ રહ્યો હતો. છેલ્લા 24 કલાક દરમિયાન જામજોધપુર તાલુકાના સમાણામાં દોઢ ઇંચ, શેઠવડાળામાં 8 મી.મી., જામવાડીમાં 16 મી.મી., વાસજાળીયામાં દોઢ ઇંચ, ધુનડામાં 8 મી.મી., ધ્રાફા અને પરડવામાં અડધો-અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. લાલપુર તાલુકામાં પીપરટોડા, ભણગોર અને મોડપરમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતાં.
કોરોધાકોર રહેલા ધ્રોલ તાલુકામાં આજે સવારે મેઘરાજાની પધરામણી થઇ હતી. સવારે 6 થી 8 દરમિયાન ધ્રોલ તાલુકામાં 6 મી.મી. વરસાદ થયો હતો. જ્યારે જામનગર શહેર હજુ પણ મેઘરાજાની પધરામણીની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યું છે.


