જામનગર શહેરના ધરાનગર વિસ્તારમાં જૂની અદાવતના મનદુ:ખને લઈને ત્રણ શખ્સોએ એક યુવકના ઘરે જઈ ઉગ્ર
બોલાચાલી કરી તલવાર વડે હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. હુમલામાં યુવકના માથા અને ડાબા હાથ સહિત બંને પગમાં ઈજા પહોંચી હોવાનું ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર મામલે પોલીસે ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બનાવની માહિતી મુજબ, ધરાનગર વિસ્તારમાં રહેતા 28 વર્ષીય સમીલ ઈસ્માઈલભાઈ હાલેપોત્રાના બહેનનું આશરે દસ વર્ષ પહેલાં અવસાન થયું હતું. આ બાબતે મનદુ:ખના કારણે આરોપી શાકિમ જુસબભાઈ ગજણ સાથે અગાઉ બોલાચાલી થઈ હતી.
આ જૂના મનદુ:ખને લઈને તા. 6 ના રાત્રીના સમયે જુસબ જુમાભાઈ ગજણ, ઇમ્તિયાજ જુસબભાઈ ગજણ અને શાકિમ જુસબભાઈ ગજણ ત્રણેય સમીલના ઘર પાસે પહોંચ્યા હતા. ત્યાં ઇમ્તિયાજે સમીલને ગાળો આપી તલવાર વડે માથામાં ઘા માર્યો હતો.
ત્યારબાદ શાકિમે તલવાર વડે સમીલના ડાબા હાથમાં ઇજા પહોંચાડી હતી, જ્યારે જુસબે ધાર વગરની તલવાર વડે બંને પગમાં માર મારી ઈજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવ અંગે સમીલ હાલેપોત્રાની ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ જુસબ જુમાભાઈ ગજણ, ઇમ્તિયાજ જુસબભાઈ ગજણ અને શાકિમ જુસબભાઈ ગજણ વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


