રાજ્ય સરકાર દ્વારા એનાલોગ પનીર, બટર સહિતની ખાદ્ય ચીજો ઉપર પ્રતિબંધ મુકયા બાદ જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા સતત બે દિવસથી શહેરમાં ચેકીંગ હાથ ધરાયું છે. જેમાં બીજા દિવસે 22 સ્થળોએ હાથ ધરાયેલ ચેકીંગ દરમિયાન 29 કિલો અખાદ્ય પનીર, બટર મળી આવતા તેનો સ્થળ પર નાશ કરાયો હતો. તેમજ 45 કિલો વાસી ખોરાક પણ મળી આવતા તેનો સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો હતો.
રાજ્ય સરકારના આદેશના પગલે જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા પનીર, ચીઝ, બટર સહિતની દૂધજન્ય ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા ચકાસવા માટે હાથ ધરાયેલી સઘન તપાસ ઝુંબેશ સતત બીજા દિવસે પણ યથાવત રાખવામાં આવી હતી. શુક્રવારે ફૂડ શાખાની અલગ-અલગ બે ટીમોએ શહેરના કુલ 22 સ્થળોએ ચેકિંગ હાથ ધરીને અંદાજે 29 કિલો અખાદ્ય પનીર, બટર સહિતની સામગ્રીનો સ્થળ પર જ નાશ કરાવ્યો હતો.
મનપાની ફૂડ શાખા દ્વારા પ્રથમ દિવસે શહેરના 22 જેટલા સ્થળોએ તપાસ કરવામાં આવી હતી, જ્યારે બીજા દિવસે વધુ સ્થળોએ ચેકિંગ હાથ ધરાયું હતું. બે દિવસ દરમિયાન પનીર તથા અન્ય દૂધજન્ય ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા, સંગ્રહ પદ્ધતિ, સ્વચ્છતા સહિતના માપદંડોની ચકાસણી કરવામાં આવી હતી.
શુક્રવારની કાર્યવાહીમાં અલગ-અલગ બે ટીમો દ્વારા વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન માનવ વપરાશ માટે અયોગ્ય જણાયેલું અંદાજે 29 કિલો પનીર, બટર સહિતની સામગ્રી મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
View this post on Instagram
આ ઉપરાંત ફૂડ શાખાની ટીમોએ હોટલ-રેસ્ટોરન્ટ તથા અન્ય ખાદ્ય વ્યવસાયિક એકમોમાં વાસી ખોરાકની પણ ચકાસણી કરી હતી. તપાસ દરમિયાન અંદાજે 45 કિલો જેટલો અખાદ્ય વાસી ખોરાક મળી આવતા તેનો પણ સ્થળ પર જ નાશ કરાવવામાં આવ્યો હતો.
મનપાની ફૂડ શાખા દ્વારા પનીર સહિતની ખાદ્ય ચીજવસ્તુઓના નમૂનાઓ એકત્ર કરવાની તેમજ જરૂરી જણાય ત્યાં લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે. અખાદ્ય કે ગુણવત્તા વિનાની ખાદ્ય સામગ્રીનું વેચાણ કરતા વેપારીઓ સામે ફૂડ સેફ્ટી કાયદા હેઠળ કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
રાજ્ય સરકારના નિર્દેશના પગલે જામનગરમાં શરૂ કરાયેલી આ વિશેષ ચેકિંગ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહે તેવી શક્યતા છે. જામનગર મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડિયાના માર્ગદર્શન હેઠળ ફૂડ વિભાગના અધિકારી નિલેશ પી. જાસલિયાની રાહબરી હેઠળ જુદી જુદી બે ટુકડી ચેકીંગ ની કાર્યવાહી કરી રહી છે.


