દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ રાવલ ગામમાં દર વર્ષે ભારે વરસાદની સ્થિતિના કારણે સંપર્ક વિહોણુ બની જાય છે અને આ વર્ષે પણ છેલ્લાં ત્રણ દિવસથી વરસી રહેલા મેઘરાજાને કારણે વર્તુ નદીમાં પૂર આવતા જામરાવલ વિખુટી પડી ગયું હતું. દરમિયાન તરૂણીને આઠ કલાક સુધી સારવાર ન મળતા મોત નિપજ્યું હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાનું જામ રાવલ ગામ દર વખતે ભારે વરસાદની પરિસ્થિતિમાં સંપર્ક વિહોણું બની જાય છે. આ જ પરિસ્થિતિ પુન: છેલ્લા બે દિવસથી નિર્માણ પામી છે. જામ રાવલ ગામ આસપાસ ભારે વરસાદની પરિસ્થિતિના કારણે વર્તુ નદીના પૂરના લીધે ગામ વિખૂટું પડી ગયું હતું.
રાવલ ગામે બેટમાં ફેરવાઈ જતા આ વિસ્તારના રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે રાવલ હનુમાનધાર વિસ્તારમાં રહેતા કેશુભાઈ મારુ નામના એક આસામીની 15 વર્ષની પુત્રી મંગુબેન ગંભીર રીતે બીમાર હોવાનું જણાતા તેમને પ્રાથમિક સારવાર અર્થે તંત્રને જાણ કરી હતી. પરંતુ સતત 8 કલાક જેટલા સમયગાળા સુધી તેમને જરૂરી સારવાર ન મળી શકતા આખરે જે.સી.બી.ના સુપડા (બકેટ)માં બેસાડીને તેણીને ધસમસતા પાણીના પ્રવાહમાં સારવાર અર્થે લઈ જવાતી હતી. પરંતુ જરૂરી સારવાર મળે તે પૂર્વે મંગુબેન મારુએ અંતિમ શ્વાસ લીધા હતા. સારવારના અભાવે તરૂણીનું મૃત્યુ નીપજતા મૃતકના પરિવારજનોમાં આક્રંદ સાથે રોષની લાગણી જોવા મળી હતી.