જામનગરમાં માવતરે આવેલી પરિણીતાના તેણીના પતિ અને સાસુએ ફોન કરી મારી નાખવાની ધમકી આપતા સાસરિયાઓના ત્રાસથી કંટાળીને ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
આ અંગેની વિગત મુજબ, મહેસાણાના પાટણ તાલુકાના આરીજ ગામમાં રહેતા ભીખા ઉર્ફે ભવ્ય ગણપત પ્રજાપતિ નામના યુવાન સાથે જામનગરની બીંદીયાબેનના લગ્ન થયા હતાં અને લગ્નજીવન દરમિયાન છેલ્લાં બે વર્ષથી તેણીના પતિ ભીખા અને સાસુ નર્મદાબેન ગણપત પ્રજાપતિ નામના બંને દ્વારા પરિણીતાને ઘર કામ બાબતે ગાળો કાઢી, માર મારી ઘરેથી કાઢી મૂકી હતી તેમજ પતિ અને સાસુ દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપી ચારિત્ર્ય ઉપર શંકા કુશંકા કરતા હતા અને બે દિવસ પહેલાં બીંદીયાબેને તેણીના પતિ તથા સાસુએ ફોન કરી મારી નાખવાની ધમકી આપતા પતિ અને સાસુના ત્રાસથી કંટાળી જઈ ફીનાઈલ પી ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બાદમાં પરિણીતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઈ એન.એમ. ઝાલા તથા સ્ટાફે બીંદીયાબેનના નિવેદનના આધારે તેણીના પતિ અને સાસુ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.