જામનગર સહિત સમગ્ર દેશભરમાં હાલ ગણપતિ મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યો છે. દરમિયાન જામનગર નજીક હાપામાં ગણપતિ મહોત્સવ દરમિયાન ગત રાત્રિના સમયે મસાલા ભાતની પ્રસાદી લીધા બાદ 100 જેટલા બાળકોને ઝાડા ઉલ્ટી થતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા દોડધામ મચી ગઈ હતી.
દેશભરમાં ગણેશ ચતુર્થીના દિવસથી ગણપતિ મહોત્સવની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે. વિઘ્નેશ્ર્વરાયથી સ્થાપના અને પૂજા, આરતી તથા પ્રસાદના આયોજનો કરવામાં આવી રહ્યા છે. ગુજરાત રાજ્યના દરેક મોટા શહેરો અને નાના ગામોમાં ગણપતિ સ્થાપના ભક્તિભાવપૂર્વક કરવામાં આવે છે. જામનગર શહેર-જિલ્લામાં પણ ગણપતિ મહોત્સવનું આયોજન ઉત્સાહપૂર્વક કરવામાં આવી રહ્યું છે ત્યારે જામનગર નજીક હાપામાં એલગન સોસાયટી વિસ્તારમાં ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ આયોજન દરમિયાન ગુરૂવારની રાત્રિના ગણેશ મહોત્સવમાં મસાલા ભાતની પ્રસાદીનું વિતરણ નાના બાળકોને કરવામાં આવ્યું હતું. આ મસાલા ભાતની પ્રસાદી લીધા બાદ અંદાજે 100 જેટલા માસુમ બાળકોને ઝાડા ઉલ્ટી થવાથી ભાગદોડ મચી ગઈ હતી અને ફૂડ પોઈઝનીંગ થયેલા બાળકોને તાત્કાલિક જી. જી. હોસ્પિટલના પીડિયાટ્રીક વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતાં.
એક સાથે 100 જેટલા બાળકોને ફૂડપોઇઝનીંગ થતા પીડિયાટ્રીક વોર્ડમાં સારવાર માટે ખસેડવામાં આવતા બેડની અછત જોવા મળી હતી.જેના કારણે અમુક બાળકોને નીચે સુવડાવી સારવાર આપવામાં આવી હતી. એક સાથે અનેક બાળકોને ફુડ પોઇઝનીંગ થયાની જાણ થતા જામનગર સમસ્ત તળપદા કોળી સમાજના પ્રમુખ હિતેશ બાંભણિયા, કોર્પોરેટર જીતેન્દ્ર સીંગાળા સહિતના લોકો હોસ્પિટલે દોડી ગયા હતાં.