Wednesday, April 30, 2025
Homeરાજ્યહાલારમીઠાપુરના મહિલા પાસે જંગી વ્યાજ વસુલી મકાનનો દસ્તાવેજ કરી આપવા દબાણ

મીઠાપુરના મહિલા પાસે જંગી વ્યાજ વસુલી મકાનનો દસ્તાવેજ કરી આપવા દબાણ

એક મહિલા પાસેથી દોઢ લાખ અને અન્ય મહિલા પાસેથી 2,40,000 વ્યાજે લીધા: મકાન નામે કરાવવા ધાક ધમકી અને દબાણ કરાયું : ખંભાળિયાના આધેડને વ્યાજખોરનો ત્રાસ: દોઢ ટકા લેખે આઠ લાખ વ્યાજે લીધા : પોલીસ દ્વારા તપાસ

ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા ગામે રહેતા આરતીબેન વેરશીભા માણેક નામના 37 વર્ષના હિન્દુ વાઘેર મહિલાને પૈસાની જરૂર પડતા થોડા સમય પૂર્વે તેમણે આરંભડા વિસ્તારમાં કૃષ્ણનગર સોસાયટી ખાતે રહેતા નિમુબેન જોધાભા માણેક પાસેથી રૂપિયા દોઢ લખ ઉછીના લીધા હતા. જેમાં તેમણે મુદલ કરતા વધુ વ્યાજની ચુકવણી કરી દીધી હોવા છતાં પણ આરોપી નિમુબેન જોધાભા માણેકએ ફરિયાદી આરતીબેનને જાનથી મારી નાખવાની ધમકી આપીને બળજબરીપૂર્વક સહી વાળા ચેક લખાવી લીધા હતા. આ પછી ફરિયાદી આરતીબેન ની બોલેરો પીકઅપ વાહન પણ બળજબરીપૂર્વક તેમણે લઈ લીધું હતું.

- Advertisement -

આ ઉપરાંત અન્ય એક આરોપી યોગીતાબેન વિનીતગીરી ગોસાઈ (રહે. જય અંબે સોસાયટી, આરંભડા) એ આરતીબેનને રૂપિયા બે લાખ ચાલીસ હજાર આપી અને તેમણે પણ ઊંચું વ્યાજ વસૂલ કરી અને સિક્યુરિટી પેટે એક્સેસ મોટરસાયકલ લઈ લીધું હતું. આ પ્રકરણમાં પણ આરતીબેને મુદ્દલ કરતા વ્યાજની વધુ રકમ ચૂકવી આપી હોવા છતાં પણ આરોપી યોગીતાબેન ગોસાઈએ વધુ વ્યાજની માંગણી કરી, તેણીના 15 તોલા સોનાના દાગીના લઈ લીધા હતા. આ પછી ફરિયાદી આરતીબેન તથા તેમના પતિ વેરશીભાઈ ણેકને ઘરમાંથી બહાર કાઢી મૂકી અને તેમના ઘર ઉપર અન્ય એક આરોપી સબીર ગફારભાઈ ખરજ (રહે. આરંભા) એ તેઓનું તાળું મારી દીધું હતું અને યોગીતાબેને આરતીબેનને બળજબરીપૂર્વક આરોપી કરસનભા મુળુભા હાથલ (રહે. હમુસર) અને અમરેલી જિલ્લાના બાબરા ગામના હિતેશભાઈ ખાચર પાસે ઉંચા વ્યાજે પૈસા લેવડાવી દીધા હતા. જેમાં આરોપી કરસનભા અને હિતેશભાઈ દ્વારા પણ ઊંચું વ્યાજ વસૂલ કરી અને આરોપી નિમુબેન અને યોગીતાબેને ફરિયાદી આરતીબેનના મકાનના દસ્તાવેજો તેઓ તેમના નામે કરી આપવા માટે ધાકધમકી આપી, ઝઘડો કરી અને બિભત્સ ગાળો કાઢી અને દબાણ કરવામાં આવતું હતું.

આમ, આ પ્રકરણમાં તમામ પાંચ આરોપીઓ દ્વારા ફરિયાદી મહિલા પાસેથી ઊંચું વ્યાજ વસૂલ કરી, હેરાન-પરેશાન કરવામાં આવતા મીઠાપુર પોલીસે બે મહિલા સહિત તમામ પાંચ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ ગુજરાત નાણાં ધીરધારની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. ડી.એન. વાંઝા દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -

આ ઉપરાંત ખંભાળિયા પોલીસ મથકમાં અહીંના ધરમપુર વિસ્તારમાં આવેલા સાંઈબાબાના મંદિર પાસે રહેતા કિશોરભાઈ જમનાદાસ દેવનાણી (ઉ.વ. 72) દ્વારા અત્રે જી.વી.જે. હાઈસ્કૂલની સામે રહેતા અશોકભાઈ વૃજલાલભાઈ ચંદારાણા (ઉ.વ. 57) સામે નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવાયું છે કે મે-2020 વર્ષમાં ફરિયાદી કિશોરભાઈએ આરોપી અશોકભાઈ પાસેથી દોઢ ટકા લેખે રૂ. 8,00,000ની રકમ વ્યાજ લીધી હતી. જેના બદલામાં તેમણે પોતાના ખર્ચે પોતાના મકાનનો દસ્તાવેજ કરી આપ્યો હતો.

આ પછી ફરિયાદી કિશોરભાઈ દ્વારા દર હિને રૂ. 12,000 નું વ્યાજ ચૂકવવામાં આવતું હતું. આ દરમિયાન તેમણે કુલ રૂપિયા 2.16 લાખની રકમ વ્યાજની ચૂકવ્યા બાદ કિશોરભાઈના માતાની તબિયત સારી ન હોવાથી થોડો સમય તેઓ વ્યાજની રકમ ચૂકવી શક્યા ન હતા. આ પછી અશોકભાઈએ રૂપિયા 9 લાખનું દોઢ ટકા લેખે માસિક રૂપિયા 13,500 નું વ્યાજ વસૂલ્યું હતું. આમ, ફરિયાદીએ આરોપીને કુલ રૂપિયા 4,18,500 ની રકમ વ્યાજ પેટે ચૂકવી હોવા છતાં પણ આરોપી દ્વારા વારંવાર વ્યાજની ઉઘરાણી કરી અને વ્યાજ આપવા માટે દબાણ કરવામાં આવતું હતું.

- Advertisement -

હાલ ફરિયાદીનું મકાન આરોપી પાસે હોવાથી તેઓ મકાન વેચતા નથી અને ફરિયાદી કિશોરભાઈને વેચવા પણ દેતા નથી તથા વધુ રપિયા આપવા માટે દબાણ કરતા હોવા અંગે ખંભાળિયા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. જેથી પોલીસે ધ ગુજરાત મની લેન્ડર્સ એક્ટ સહિતની જુદી જુદી કલમ હેઠળ ફરિયાદ નોંધી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular