જામનગર શહેરમાં શિવમ સોસાયટીમાં રહેતાં વૃદ્ધા તેના પુત્ર સાથે એકટીવા પર થાવરીયા જતા હતાં ત્યારે આઈઓસીએલની ગોલાઈ નજીક એકટીવા સાઈડમાં ઉતરી જતા રોડ પર પટકાયેલા વૃદ્ધાનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.

અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં એરફોર્સ રોડ પર આવેલી શિવમ સોસાયટીમાં રહેતાં મંજુબેન પરશોતમભાઈ સાવલીયા (ઉ.વ.60) નામના વૃદ્ધા રવિવારે સવારના સમયે તેના પુત્ર રાહુલ પરશોતમ સાવલિયા (ઉ.વ.34) સાથે તેના જીજે-10-બીકે-0073 નંબરના એકટીવા પર જામનગરથી મોટા થાવરીયા ગામે જતા હતાં તે દરમિયાન જામનગર કાલાવડ ધોરીમાર્ગ પર આઇઓસીએલ પહેલાંની ગોલાઈ નજીક પહોંચ્યા ત્યારે એકટીવા રોડની સાઈડમાં ઉતરી જતા એકટીવામાં પાછળ બેસેલા વૃદ્ધા નીચે પટકાતા શરીરે તથા માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું.આ અંગે મૃતકના પુત્ર રાહુલભાઈ દ્વારા જાણ કરાતા હેકો બી.એચ. લાંબરીયા તથા સ્ટાફે હોસ્પિટલે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.