ભારતીય શેર બજારમાં નાના રોકાણકારો તથા ટ્રેડરોને શિશામાં ઉતારી બુચ મારનાર વિદેશી ટ્રેડિંગ કંપની જેન સ્ટ્રીટ સામે સેબીએ સખ્ત કાર્યવાહી કરી કંપનીની 4844 કરોડની સંપત્તિ જપ્ત કરી તેના પર પ્રતિબંધ લાદ્યો છે ત્યારે આ કંપની કોણ છે? કઇ રીતે કૌભાંડ આચર્યુ? અને તેની સામે શું કાર્યવાહી કરવામાં આવી ? તે જાણવું રસપ્રદ બની રહેશે.
જેન સ્ટ્રીટ શું છે?
જેન સ્ટ્રીટ અમેરિકાની એક ટ્રેડિંગ કંપની છે. જે અમેરિકા, યુરોપ અને એશિયામાંક કુલ પાંચ ઓફિસો અને ત્રણ હજારથી વધુનો સ્ટાફ ધરાવે છે. જ્યારે વિશ્વના 45 દેશોના શેરબજારમાં ટ્રેડિંગ કરે છે. વર્ષ 2000 માં સ્થપાયેલી આ કંપનીની વાર્ષિક આવક 21 બિલિયન ડોલરથી પણ વધુ છે. આ કંપની ભારતમાં કુલ ચાર ગ્રુપ દ્વારા કાર્ય કરે છે. જેમાંથી બે ભારતમાં છે જ્યારે અન્ય બે હોંગકોંગ અને સિંગાપુરમાં છે.
ભારતના બજારમાં કઇ રીતે કર્યુ કૌભાંડ?
ભારતના બજારમાં કાર્યરત જેન સ્ટ્રીટના ચાર ગુ્રપ દ્વારા બેન્ક નિફટીના 12 શેરોમાં છેડછાડ કરી કુલ 4843 કરોડનો ફાયદો મેળવ્યાનું સેબીની તપાસમાં બહાર આવ્યું છે. કંપનીએ પહેલાં બેન્ક નિફટીના ઘટક શેરોમાં આક્રમક રીતે મોટા જથ્થાની ખરીદી કરી હતી. તેના કારણે બેન્ક નિફટી ઈન્ડેકસ સડસડાટ ઉપર ચડયો હતો. ત્યારબાદ બીજા તબક્કામાં કંપનીએ બેન્ક નિફટીના શેર, ફયુચર્સ તથા ઓપ્શનમાં આક્રમક રીતે વેચવાલી કરીને ખરીદીના તમામ સોદા ઉલ્ટાવી દીધા હતાં. આ રીતે તેમણે બેન્ક નિફટીમાં કૃત્રિમ તેજી ઉભી કરી નાના રોકાણકારો અને ટ્રેડરોને ગેરમાર્ગે દોર્યા હતાં. પહેલાં ખરીદીને કારણે બેન્ક નિફટી સડસડાટ ઉપર જતા જ કંપનીએ કુલ 32,114 કરોડના મંદીના ટ્રેડ નાખી 4843 કરોડનો જંગી નફો મેળવી લીધો હતો. આ ટ્રેડમાં કંપનીએ બેંકોના સસ્તા પુટ વિકલ્પો ખરીદી મોંઘા કોલ વિકલ્પો વેંચી દીધા હતા. ત્યારબાદ બેન્ક શેરોમાં જોરદાર વેચવાલી કરી ઓપ્શનમાં ભારે કમાણી કરી લીધી હતી. કંપનીની આ મોડર્સ ઓપરેન્ડી સેબીના ધ્યાનમાં આવતા જ એકશનમાં આવેલી સેબીએ કંપની સામે સખ્ત કાર્યવાહી કરી છે.
સેબીએ શું કાર્યવાહી કરી ?
ભારતની પ્રતિભુતિ નિયમનકારી સંસ્થા સિકયોરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(સેબી)એ તપાસમાં બહાર આવેલા આ કૌભાંડમાં વિદેશી કંપની સામે સખ્ત કાર્યવાહી કરી સૌ પ્રથમ તો ભારતીય બજારમાં ટ્રેડિંગ કરવા પર તેના પર પ્રતિબંધ મૂકી દીધો છે. જ્યારે 32 હજાર કરોડથી વધુ રકમના આ કૌભાંડ દ્વારા 4843 કરોડ કમાવનાર આ કંપનીની કેટલીક સંપત્તિ જપ્ત કરી લેવામાં આવી છે. જ્યારે તેના બેન્ક ખાતા પર સ્થગિત કરી દેવામાં આવ્યા છે. કોઇપણ વિદેશી કંપની સામે સેબી દ્વારા કરવામાં આવેલી અત્યાર સુધીની આ સૌથી આકરી કાર્યવાહી છે.