ઓરિસ્સાના બાલાસોરમાં થયેલા ભીષણ ટ્રેન અકસ્માત પછી ફરી એક વાર મુસાફરોની સુરક્ષાનો પ્રશ્ન ઊભો થયો છે. આવી દુર્ઘટના અટકાવવા માટે પશ્ચિમ રેલવેએ મહત્ત્વનું પગલું ભર્યું છે. તે પ્રમાણે ટૂંક સમયમાં ઇલેક્ટ્રિક એન્જિનમાં મોટું પરિવર્તન જોવા મળશે. તેના થકી ભવિષ્યમાં માત્ર આવી ઘટનાઓ અને માનવીય ભૂલને કારણે સર્જાતા અકસ્માતો જ નહીં ઘટે પરંતુ આવી દુર્ઘટનાઓની સરળતાથી ભાળ મેળવી શકાશે. વાસ્તવમાં, પશ્ર્ચિમ રેલવે દ્વારા હવે લાંબા અંતરની ટ્રેનોમાં જોડાનારા ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિનમાં કેમેરા લગાવાઈ રહ્યા છે. એન્જિનની બંને બાજુએ 6 કેમેરા લગાવાશે. આ પાવરફૂલ કેમેરા ઓડિયો પણ રેકોર્ડ કરી શકશે.
એન્જિનની બંને બાજુએ લોકોપાઇલટ કેબિનમાં પણ 2-2 કેમેરા લગાવાશે જ્યારે બહારની ગતિવિધિ પર નજર રાખવા માટે 1-1 કેમેરા એન્જિનની બહાર પણ લગાવાશે.
પશ્ચિમ રેલવે કુલ 350 ઇલેક્ટ્રિક એન્જિનમાં આ કેમેરા લગાવશે. તેમાંથી 30 એન્જિનમાં કેમેરા લગાવાયા છે. એન્જિન દીઠ કેમેરા લગાડવાનો ખર્ચ રૂ. 1,04,338 છે. આ નાઇટ વિઝનવાળા અને 2 ટીબી (ટેગા બાઇટ)ની સ્ટોરેજ ક્ષમતાવાળા કેમેરામાં 90 દિવસનું સ્ટોરેજ થઈ શકશે. રેલવે અધિકારીઓનું કહેવું છે કે ફ્લાઇટની જેમ એન્જિનમાં ઓડિયો બેઝ્ડ કેમેરા લગાવવાથી દુર્ઘટનાની તપાસનું યોગ્ય વિશ્લેષણ કરી શકાશે.