ભારતમાં પિવાના તથા સિંચાઇના તેમજ ઔદ્યોગિક જરૂરિયાત માટેના પાણીના સંચાલનની દિશામાં 2019માં માઇલસ્ટોન નિર્ણય થયો – જલશકિત મંત્રાલયની રચના.
આ મંત્રાલયના કારણે પાણી માટે કામ કરી રહેલાં દેશના વિવિધ મંત્રાલય એક અમ્બ્રેલા નીચે આવ્યા. આઝાદીથી માંડીને 2019 સુધી દેશમાં ત્રણ પ્રકારના હાઇડ્રો-સિઝોફ્રેનિયા આપણે અનુભવ્યા. 1- પિવાનું પાણી-સિંચાઇનું પાણી, અને એ વચ્ચેની અસંતુલિતતા, 2- સપાટી પરનું પાણી તથા ભૂગર્ભ જળ અને 3- પાણી તથા વેસ્ટવોટર. નવી નેશનલ વોટર પોલિસીએ આ ત્રણેય વિભાગોને સૂચવ્યું કે, આ પેટાવિભાગોની દિશામાં ઝડપી કામ કરો.
સામાન્ય રીતે કેન્દ્ર તથા રાજ્યોના સ્તરે આ ત્રણેય દિશામાં વિવિધ મંત્રાલયો સંકલન વિના કામ કરે છે અને નસકોરાં બોલાવે છે. પરિણામે, આ વિભાગો વચ્ચેના આંતરજોડાણની દિશામાં જળચક્રને અવગણવામાં આવે છે. પરિણામે, ગંભીર જળસમસ્યાઓનો જન્મ થતો રહે છે.
નદીઓ સૂકાઇ રહી છે અને ભૂગર્ભજળને વધુ ને વધુ મેળવવામાં આવી રહ્યું છે – આ બંને બાબતો વચ્ચેનો સંબંધ શોધવામાં આપણે નિષ્ફળ રહ્યા છીએ. જેને પરિણામે ચોમાસા પછીનાં દિવસોમાં નદીઓનાં જળસ્તરો સૂકાઇ જાય છે, નદીઓ સૂકી બની જાય છે.
પિવાના પાણી માટેની વ્યવસ્થા સિંચાઇના પાણી માટેના ક્ષેત્રમાં ન ચાલે કારણ કે તે ક્ષેત્રમાં પાણીનો જથ્થો વિશાળ હોય છે. પરિણામે, દેશના ઘણાં ભાગોમાં પિવાના પાણીની અછત વર્તાઇ રહી છે.
આ ઉપરાંત પાણી તથા વેસ્ટવોટરનું પ્લાનિંગ આપણે અલગ-અલગ કરીએ છીએ જેને કારણે પાણીની ગુણવતા ઘટી રહી છે. વેસ્ટવોટર જળસ્ત્રોતોને પ્રદૂષિત કરી રહ્યું છે.
કેન્દ્રીય જળઆયોગની સ્થાપના 1945માં થયેલી ત્યારબાદ સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડની રચના છેક 1970માં થઇ. ત્યારપછી પણ આ બંને સંસ્થાઓમાં કોઇ મોટાં સુધારાઓ જોવા ન મળ્યાં !
કેન્દ્રીય સ્તરે જેમ જળસંબંધે વિવિધ સંસ્થાઓ વચ્ચે કો-ઓર્ડીનેશનનો અભાવ છે તેમ જ રાજ્યોના સ્તરે પણ આ ચિંતાજનક સ્થિતિ છે. બીજી બાજુ, દેશભરમાં ભૂગર્ભજળનો વપરાશ ગંભીર પ્રમાણમાં વધી રહ્યો છે. આ ક્ષેત્ર અત્યારે દેશની પાણીની મોટાંભાગની જરૂરિયાત સંતોષે છે ! ભૂગર્ભજળ મંત્રાલય પાછલાં દાયકાઓમાં વધુ નબળું બન્યું છે.
નવી નેશનલ વોટર પોલિસી સૂચવે છે કે, સેન્ટ્રલ વોટર કમિશન તથા સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ એકમેકમાં મર્જ થવું જોઇએ. જેમાં ઘણાં બધાં સ્ટેક હોલ્ડર્સનો સમાવેશ કરી શકાય.
આ રીતે દેશમાં નેશનલ વોટર કમિશન બનાવી તેનું કાર્યક્ષેત્ર પ્રત્યેક રાજ્યોમાં પણ અમલમાં મૂકવું જોઇએ. પ્રત્યેક બાબતોમાં આ કમિશન રાજ્યો સાથે સંકલનમાં રહે.
દાખલા તરીકે,
1) દેશમાં પિવાના પાણીની આપૂર્તિ જાળવવા, રાષ્ટ્રીય લક્ષ્યાંકો સુધી પહોંચવા વોટર સિકયોરિટી ડિવિઝનનું ગઠન જરૂરી
2) હર ખેત કો પાની- આ નેશનલ ધ્યેયની આપૂર્તિ માટે સિંચાઇના ક્ષેત્રમાં સુધારાઓ લાવવાં
3) ભૂગર્ભજળના યોગ્ય સંચાલન માટે અન્ડરગ્રાઉન્ડ વોટર મેનેજમેન્ટ બોર્ડ બનવું જરૂરી
4) ભારતની નદીઓને પુનર્જીવિત કરવા નદી સંજિવની બોર્ડ બનવું જોઇએ
5) પાણીની શુધ્ધતાને સૌથી વધુ અગ્રતાક્રમ આપવા વોટર કવોલિટી ડિવિઝનની રચના
6) આર્થિક પ્રવૃતિઓમાં પાણીનો વેડફાટ અટકાવવા-વિતરણ વ્યવસ્થાને અસરકારક બનાવવા વોટર યૂઝ એફિસિઅન્ટમ ડિવિઝન રચવું જરૂરી
7) રાષ્ટ્રીય પડકારોને પહોંચી વળવા શહેરો તથા ઉદ્યોગોને પૂરતું પાણી આપવા અર્બન એન્ડ ઇન્ડસ્ટ્રીયલ વોટર ડિવિઝન હોવું જોઇએ
8) નેશનલ વોટર ડેટાબેઝનું લોકશાહીકરણ કરવું જોઇએ, દરેક નાગરિક આ ડેટા એકસેસ કરી શકે તે પ્રમાણે
9) સરકારમાં તથા સરકારી ક્ષેત્રની બહાર પાણી પ્રાપ્ત કરવા-મેળવવા-સંપાદિત કરવા નોલેજ મેનેજમેન્ટ તથા કેપેસિટી બિલ્ડીંગ ડિવિઝન હોવું જોઇએ.
કેન્દ્ર-રાજ્યોની સરકારો પાસે ઇજનેરો હોય છે, હાઇડ્રોલોજી તથા હાઇડ્રોજિઓલોજીના નિષ્ણાંતો પણ હોય છે પરંતુ નદીઓ માટેના કોઇ ઇકોલોજિસ્ટ જ નથી ! આપણી બ્યુરોક્રેસીમાં એગ્રીનોમિસ્ટ પણ નથી, સૌથી વધુ પાણી ખેતીમાં વાપરવામાં આવે છે છતાંય પાણીના સંચાલન-સંરક્ષણ માટે લોકોમાં જાગૃતિ-જ્ઞાન વધારવા જરૂરી છતાં વોટર વિભાગ કયારેય આ માટે સોશિયલ કાર્યકરોને તૈયાર કરતો નથી. પાણીના વપરાશકર્તાઓને વોટર મેનેજમેન્ટમાં સ્ટેક હોલ્ડર બનાવવા જોઇએ કારણ કે, પાણી અંગેનું ડહાપણ-વિગતો તેની પાસે ઘણી હોય છે. નેશનલ વોટર પોલિસી જણાવે છે કે, નેશનલ વોટર કમિશનમાં તથા તેની રાજ્ય કચેરીઓમાં અનુભવીઓ તથા નિષ્ણાંતોની આવશ્યકતા છે. જો એમ કરવામાં ન આવે તો ભારતની જટિલ જળ સમસ્યા ઉકેલાઇ ગઇ હોવાનો ભ્રમ પેદા થશે. જળસમસ્યાને સૂલઝાવવા જળવિતરણ-સંરક્ષણની આખી સિસ્ટમને સમજવી પડે. ઘણી બધી શરતો તથા જોગવાઇઓ લાગુ કરવી પડે, અને આ ક્ષેત્રમાં શિસ્તબધ્ધ એપ્રોચની આવશ્યકતા છે.
જળસમસ્યા અંગેનું ડહાપણ સમાજમાં થોડાં જ લોકો પાસે હોય એવું જરૂરી નથી. ખેડૂતો-વપરાશકારો-શિક્ષણવિદો-ઉદ્યોગો બધાં જ ક્ષેત્રોના લોકોને આ મહાકાર્યમાં જોડવા પડે. તેઓ બધાં વચ્ચે યોગ્ય ભાગીદારી સર્જવી પડે. મહિલાઓની કાઠોસૂઝનો પણ આમાં ઉપયોગ કરવો પડે.
કેન્દ્ર-રાજ્યો તથા રાજ્યો વચ્ચે સમજણના અભાવે વિવાદો થતાં રહે છે. તેથી યોગ્ય ચર્ચા માટે સંસ્થાકીય સ્ટ્રકચર વિકસાવવું પડે. આ માટે ઇન્ટરસ્ટેટ કાઉન્સિલની રચના પણ કરી શકાય. આ કાઉન્સિલને તમામ અર્થોમાં સક્ષમ બનાવવી પડે.