જામનગરના વતની અને જામનગર સહિત સમગ્ર વિશ્ર્વભરમાં જાણીતા થયેલ હાસ્ય કલાકાર વસંત પરેશ ‘બંધુ’ નું આજરોજ નિધન થયું છે. તેમના નિધનથી ગુજરાતી હાસ્ય જગતને મોટો ફટકો પડયો છે. આજે બપોરે સાડા ચાર વાગ્યે તેમના જામનગરના ખાતેના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા નિકળશે. વ્યારાની સિવિલ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્ર્વાસ લીધા હતાં. તેમના પાર્થિવ દેહને જામનગર લવાયો હતો.
જામનગરના ગર્વસમાન કોમેડી કીંગ વસંત પરેશ ‘બંધુ’ એ પોતાની હાસ્ય કલા દ્વારા લાખો લોકોના ચહેરા પર હાસ્ય ઠેલવ્યું હતું. અત્યાર સુધીમાં તેમણે અંદાજે 6500 થી વધુ સ્ટેજ શો કર્યા હતાં તેમજ 100 થી વધુ ઓડિયો-વીડિયો કેસેટોમાં પણ તેમણે પોતાની હાસ્યની કલા પ્રસરાવી હતી. તેઓએ માત્ર ભારત જ નહીં લંડન, અમેરિકા, દુબઇ સહિત 20 જેટલા દેશોમાં પ્રવાસ કરી હાસ્યનો ધોધ વહાવ્યો હતો. 38 વર્ષ સુધી તેઓએ હાસ્ય કલા ક્ષેત્રે પોતાની આવડત અને અભિનય શૈલીથી લોકોને ખૂબ હસાવ્યા હતાં. તેઓ જામનગર ડિસ્ટ્રીક કો-ઓરેટવ બેંકમાં કલાક તરીકે ફરજ બજાવી રીટાયર્ડ થયા હતાં. તા.31-8-1954 ના રોજ જન્મેલા લાફટર કીંગ વસંત પરેશ બંધુનું 70 વર્ષની વયે આજે સવારે નિધન થયું હતું. તેમની અંતિમ યાત્રા આજે બપોરે 4:30 વાગ્યે જામનગરમાં તેમના નિવાસસ્થાન 203, લક્ષ્મી એપાર્ટમેન્ટ મંગલબાગ શેરી નંબર-1 ખાતેથી નિકળશે.
લાખો લોકોને પેટ પકડીને હસાવનાર અને હસાવીને આંખમાં હર્ષના આંસુ લાવનાર વસંત પરેશ બંધુ આજે તેમના પત્ની અનિતાબેન વસંત તથા પુત્ર ચિંતન વસંત સહિત ગુજરાતની હાસ્ય જગતમાં દુ:ખના આંસુ આપી ફાની દુનિયાને અલવીદા કહી છે. તેમના નિધનથી હાસ્ય જગતમાં હડકંપ મચી ગયો છે. તેમની અભિનય શૈલી લોકોને ખૂબ પસંદ આવી હતી અને જામનગરના આ લાફટર કીંગ વસંત પરેશ બંધુએ ભારત સહિત દેશ દુનિયામાં પોતાની અલગ ઓળખ ઉભી કરી હતી.
હાસ્યનો ધરતીકંપ, હાસ્યનો બેતાજ બાદશાહ, વસંતનું વાવાઝોડુ, હાસ્યનો ખડખડાટ, ધીરુ બનેગા કરોડપતિ, હાસ્યની ઓનારત, ધીરુના ધજાગરા, વસંતનો વરઘોડો, વાઈફ છે કે બુલડોઝર સહિતના આવા તો અનેક તેમના હાસ્યના કાર્યક્રમો લોકોમાં પસંદ બન્યા હતાં.