હાલારમાં છેલ્લાં ત્રણ દિવસથી પલ્ટાયેલા હવામાન વચ્ચે જુદા જુદા તાલુકાઓમાં સામાન્ય ઝાપટાથી અઢી ઈંચ જેટલો વરસાદ વરસતા કમોસમી પડેલા વરસાદને કારણે ખેડૂતોને વ્યાપક નુકસાનીની શકયતાઓ જણાઈ રહી છે. આ સમય દરમિયાન કલ્યાણપુર તાલુકામાં અઢી, ખંભાળિયા તાલુકામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. ત્યારે જામનગરના કાલાવડમાં અઢી ઈંચ અને મોટા વડાળા અને જામવણથલીમાં બે-બે ઈંચ તથા લાલપુરમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યાનો અહેવાલ છે.
વરસાદી માવઠાના શુક્રવારથી શરૂ થયેલા રાઉન્ડમાં શનિવારે દ્વારકા તાલુકામાં સાંજના સમયે અડધો ઈંચ (15 મી.મી.) પાણી પડી ગયું હતું. જેના કારણે દ્વારકાના રસ્તાઓ પાણીથી તરબતર બન્યા હતા. જ્યારે ગઈકાલે રવિવારે કલ્યાણપુર તાલુકામાં વરસાદના ભારે વરસાદના કારણે સાંજે બે કલાક જેટલા સમયગાળા દરમિયાન સવા બે ઈંચ (55 મી.મી.) તેમજ આ પૂર્વે શનિવારે 4 મી.મી. પાણી પડી ગયું હતું. જેના કારણે આ માવઠાથી ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો પાણીથી તરબતર બની ગયા હતા.
જ્યારે ખંભાળિયામાં પણ બે દિવસના અવિરત મેઘાવી માહોલ વચ્ચે રવિવારે દોઢ ઈંચ (40 મી.મી.) પાણી પડી ગયું હતું. આ સાથે મોસમનો કુલ વરસાદ સૌથી વધુ ખંભાળિયામાં 96 ઈંચ (2390 મી.મી.), દ્વારકામાં 89 ઈંચ (2228 મી.મી.), કલ્યાણપુરમાં 83 ઈંચ (2064 મી.મી.) અને ભાણવડમાં 67 ઈંચ (1666 મી.મી.) થવા પામ્યો છે.
જિલ્લામાં બે દિવસના વરસાદના કારણે સૌથી વધુ કલ્યાણપુર બાદ ખંભાળિયા તેમજ ભાણવડના કેટલા ગ્રામ્ય વિસ્તારોમાં વાવવામાં આવેલા મગફળી તથા કપાસના પાક માટે માવઠા ના કારણે અનેક સ્થળોએ પાક નિષ્ફળ જવાની પરિસ્થિતિ સર્જાય છે. ખેતરોમાંથી મગફળી કાઢી મુકેલા ખેડૂતોની મગફળી પર કમોસમી વરસાદથી માલ પલળી જવાના કારણે મગફળી ઉગવા માંડી છે. તો તૈયાર મગફળી કાઢવામાં ન આવતા તે જમીનમાં ફરી ઊગી નીકળે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. સતત ચાર માસથી વ્યવસ્થિત પાક માટે મહેનત કરતા ખેડૂતો માઠી દશામાં મુકાઈ ગયા છે અને દિવાળી પર્વે તેઓ માટે હોળીની સ્થિતિ સર્જાઈ છે.
છેલ્લા આશરે એકાદ સપ્તાહ દરમિયાન ખંભાળિયા, ભાણવડ તથા કલ્યાણપુર તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં છ ઈંચ સુધીનો વરસાદ વરસે જતા ઘેરો અષાઢી માહોલ છવાઈ ગયો છે. ખંભાળિયા નજીકના માંઝા, કોલવા, ભટ્ટગામ, સુતારીયા વિગેરે ગામોમાં ભારે પવન તેમજ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.
કલ્યાણપુર તાલુકામાં શનિવારે તથા રવિવારે કલ્યાણપુર ઉપરાંત ભાટિયા, પાનેલી, દુધિયા, ધતુરીયા, ટંકારીયા, દેવળિયા, વિગેરે ગામોમાં ધોધમાર વરસાદ વરસી જતા ખેતર ઉપરાંત રસ્તાઓ પણ જાણે નદીમાં ફેરવાઈ ગયા હતા. જેના કારણે વાહન ચાલકો સાથે ધરતીપુત્રોએ પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તૈયાર થઈ ગયેલા મગફળીના પાકોમાં ભારે વરસાદ પડતાં મહદ અંશે પાક બગડી ગયો છે. ઉપરાંત કેટલાક સ્થળોએ તો ઘાંસ સહિતની ખેતપેદાશ ઢોર પણ ન ખાય તેવી પરિસ્થિતિ થઈ ગઈ છે. દ્વારકા જિલ્લામાં આસો માસના અંતિમ દિવસોમાં પણ ભર ચોમાસા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે ગત સપ્તાહમાં છ થી સાત ઈંચ સુધીના વરસાદના કારણે જિલ્લાના જુદા-જુદા તાલુકામાં રહેલા 11 માંથી 15 ડેમો હાલ ઓવરફ્લોની પરિસ્થિતિમાં છે. જે વચ્ચે ભાણવડના વર્તુ- 2 ડેમના ચાર દરવાજા હજુ ખુલ્લા રાખવામાં આવ્યા છે. સાની ડેમ નજીકના હેઠવાસનો રસ્તો પણ હાલ બંધ રાખવામાં આવ્યો છે. જિલ્લામાં ઘી ડેમ, સિંહણ, વેરાડી- 1, વેરાડી- 2, વર્તુ- 1, કબરકા, સોનમતી, મિણસાર, શેઢાભાડથરી, ડેમ હજુ પણ ઓવરફ્લો થતાં નદીઓમાં પણ પૂરની પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે.જિલ્લામાં હાલ વરસાદે ધરતીપુત્ર સાથે શહેરીજનોને પણ મુશ્કેલીમાં મૂકી દીધા છે. ત્યારે નજીક આવતા દિવાળીના તહેવારોમાં મેઘરાજા હવે ખમૈયા કરે તેમ સૌ કોઈ ઈચ્છી રહ્યા છે.
તેમજ જામનગર જિલ્લામાં પણ શનિ-રવિ મેઘાવી માહોલ યથાવત રહ્યો હતો. જો કે જામનગર જિલ્લામાં અમુક તાલુકાઓ સિવાય અન્ય તાલુકાઓમાં વરસાદી વિરામ રહ્યો હતો. આ સમય દરમિયાન શનિવારે લાલપુરમાં ગાજવીજ સાથે ધોધમાર ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો અને સોમવારે સવારે 06 વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન કાલાવડ પંથકમાં ગાજવીજ સાથે અઢી ઈંચ અને ધ્રોલમાં વધુ અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. ઉપરાંત કાલાવડ તાલુકાના મોટા વડાળામાં અને જામનગર તાલુકાના જામવણથલીમાં વીજળીના કડાકા – ભડાકા સાથે બે બે ઈંચ પાણી આકાશમાંથી વરસાવ્યું હતું તથા લાલપુર તાલુકાના પડાણામાં પણ બે ઇંચ વરસાદ વરસ્યો હતો.
જ્યારે કાલાવડ તાલુકાના નિકાવા, જામજોધપુરના ધુનડામાં દોઢ દોઢ ઈંચ વરસાદ પડયાના અહેવાલ છે. તથા જામજોધપુરના શેઠવડાળા, કાલાવડના મોટા પાંચદેવડા, ખરેડી, ધ્રોલના જાલિયાદેવાણીમાં એક-એક ઈંચ વરસાદ પડયો હતો. તથા પીપરટોડા, પરડવા, પીઠડ, લૈયારા, મોડપર, લતીપુર, હરીપર, વાંસજાળિયા, સમાણા, ભલસાણ બેરાજા, નવાગામ અને દરેડમાં સામાન્ય ઝાપટાથી અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો.
જામજોધપુર તાલુકાના શેઠવડાળા બગધરા ધ્રાફા સહિતના વિસ્તારોમાં ગઈકાલે સાંજ છ વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધી ધોધમાર વરસાદ પડેલ ખેતરમાં ધોધમાર પાણી ચાલુ થઈ ગયા હતાં. આ વિસ્તારમાં દોઢથી બે ઈંચ વરસાદ થયો હતો. આજુબાજુની નદીમાં પૂર ચાલુ થઈ ગયા હતાં. કમોસમી વરસાદ થી ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઈ હતી આ વરસાદ થી સોયાબીન કપાસ મગફળી જેવા પાકોને નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે.