Sunday, October 6, 2024
Homeરાષ્ટ્રીયનરેન્દ્ર મોદીના કર્મઠ નેતૃત્ત્વમાં ગુજરાત દેશનુ વિકાસ મોડેલ બન્યું

નરેન્દ્ર મોદીના કર્મઠ નેતૃત્ત્વમાં ગુજરાત દેશનુ વિકાસ મોડેલ બન્યું

- Advertisement -

ગુજરાતની અને ગુજરાતના વિકાસની આજે સમગ્ર ભારતવર્ષમાં જ નહીં, દુનિયાભરના વિકાસ ઝંખતા દેશોમાં પણ ચર્ચા છે. ગાંધી અને સરદાર તથા ઈન્દુચાચા અને રવિશંકર મહારાજ વિના આ વાત અધૂરી ગણાય. એમાં હવે દબદબાભેર એક નામ ઉમેરવું જ પડે, નરેન્દ્રભાઈ મોદીનું. એમના નામનો ઉલ્લેખ કર્યા વિના ગુજરાતના વિકાસની વાત અધુરી જ લાગે. ગુજરાત પ્રદેશ તો સદીઓથી છે, પરંતુ સને 1960ના સ્થાપનાકાળથી આપણે જોતા આવ્યા છીએ કે, પાછલા 12 વર્ષોમાં ગુજરાતે જે પ્રતિષ્ઠા, સાખ, આબરુ અને નામના અંકે કરી છે એવી આ 12 વર્ષ પૂર્વેનાં 40 વર્ષોમાં ક્યારેય પ્રાપ્ત થઈ નથી.

- Advertisement -

આ નરેન્દ્ર મોદીના વિઝન અને મિશનનો જાદુ છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સતત અને એકધારા 13 વર્ષથી શાસન કરી રહેલા આ લોકપ્રિય નેતાએ માત્ર ગુજરાતીઓ જ નહીં, દેશવાસીઓનાં દિલોમાં પણ સ્થાન મેળવ્યું છે. એમના ચાહકો તો દુનિયાભરના દેશોમાં પથરાયેલા છે. તા. 7 ઓક્ટોબર, 2001થી આજ સુધીની વણથંભી વિકાસયાત્રા. આ કોઈ નાની-સૂની વાત નથી. ગુજરાતને આપણે સૌ વર્ષોંથી જોતા આવ્યા છીએ. કેટલાય શાસકો આવ્યા અને વિકાસ માટે પ્રદાન કર્યું. છતા સને 2001થી 2013ના આજ પર્યંતના દસકા ઉપરાંતના આ ગાળામાં ગુજરાતે પ્રગતિની જે હરણફાળ ભરી એના આપણે આઈ વિટનેસ – નજરે જોનાર સાક્ષી બન્યા છીએ. આ વિકાસયાત્રા માત્ર દેશના અન્ય રાજ્યો માટે જ નહીં, પરંતુ કેટલાંય વિકાસશીલ દેશો માટે પણ રોલ-મોડલ બની છે. આપ જાણો છો કે, દર અઠવાડિયે કોઈને કોઈ દેશ અથવા રાજ્યનું પ્રતિનિધિમંડળ ગુજરાતની મુલાકાતે આવ્યું જ હોય છે.

જનમતને મહત્તા આપવા સાથે જનભાગીદારીને સરકારી તંત્રની કામગીરી સાથે જોડી દેવાનું ભગીરથ કાર્ય ગુજરાતે કર્યું છે. ગુજરાતના વિકાસને ‘પંચામૃત’ની તરાહ ઉપર વાસ્તવિક અર્થમાં પાંચ પ્રકારના અમૃતનો સુભગ સમન્વય સાધીને જન-જન સુધી લોકસુખાકારી અને વિકાસનાં મીઠાં ફળ પહોંચે એ માટે માઈક્રો લેવલ કક્ષાનું આયોજન ગુજરાતે કર્યું છે. ‘પંચામૃત’ એટલે કે પાંચ શક્તિ (1) જન શક્તિ, (2) જળ શક્તિ, (3) જ્ઞાન શક્તિ, (4) ઊર્જા શક્તિ અને (5) રક્ષા શક્તિની તરાહ ઉપર રાજ્યના સાડા છ કરોડ ગુજરાતીઓને વિકાસપથ પર સહભાગી બનાવ્યા છે. ગુજરાતે ઉઘોગ (વાઈબ્રન્ટ સમીટ), કૃષિ અને ગ્રામ વિકાસ (જલક્રાન્તિ-કૃષિક્રાન્તિ-જ્યોતિગ્રામ-કૃષિ રથયાત્રા), શિક્ષણ (શાળા પ્રવેશોત્સવ ), મહિલા અને બાળ વિકાસ (ક્ધયા કેળવણી અને મમતા યોજના), શહેરી વિકાસ યોજના, આદિજાતિ-દલિત- પછાત-લઘુમતી-વિચરતી અને વિમુક્ત જાતિ કલ્યાણ વગેરે સંખ્યાબંધ ક્ષેત્રોમાં વિકાસનાં નિત નવાં સિમાચિન્હો સર કર્યાં છે. આ વિકાસ યાત્રા હજુ વણથંભી ચાલી જ રહી છે. એને કોઈ રોકી શકવાનું નથી.

- Advertisement -

ગુજરાતના વિકાસની જનચેતના એની જન શક્તિએ ખીલવી છે. જેનાં મૂળમાં રહેલી છે, સૌનો સાથ, સૌનો વિકાસની વિભાવના. આર્યપુરુષ, મહામનિષી સ્વામી વિવેદાનંદજીએ તો આજથી 100 વર્ષ પહેલાં જ કહ્યું હતું કે, હું મારી આંખો સામે મા ભારતીને વિશ્વવિજેતા રૂપે, વિશ્વસત્તારૂપે નિહાળી રહ્યો છું. ખરા અર્થમાં ગુજરાતે ભારતના વિકાસનું જાણે નેતૃત્વ લીધું છે.

ગુજરાતનો 21મી સદીના પ્રથમ દાયકામાં ખાસ કરીને 2001થી 2011 સુધીના એક દાયકાનો ક્રમિક વિકાસ અને પ્રગતિ ભલભલાને, સૌ કોઈને અચંબામાં મૂકી દે એવો છે. વિકાસ એક નિરંતર પ્રક્રિયા છે. એ સને 2013માં પણ અને એ પછી પણ અવિરત જારી રહેવાનો છે. પરંતુ અભ્યાસની અનુકૂળતા ખાતર આપણે આ એક દાયકાનો કેસ-સ્ટડી કરીએ તો જણાશે કે, 2001થી 2011-12 સુધીના દાયકામાં ગુજરાતે પ્રગતિનાં અદ્ભુત સિમાચિન્હો સર કર્યાં છે. આ દાયકા ઉપરાંતનો ગાળો એ તો કદાચ મુકામ હોઈ શકે, મંઝિલ નથી. પંડિત દિનદયાળ ઉપાધ્યાયજી હંમેશા સંસ્કૃતમાં વેદવાણી ટાંકીને કહેતા કે ચરૈવેતિ, ચરેવેતી, ચરેવેતી… ચાલતા રહો, ચાલતા રહો, બસ, ચાલતા જ રહો. દેશના પૂર્વપ્રધાન મંત્રી અટલબિહારી વાજપેયી પણ કાવ્યબાનીમાં કહેતા રહ્યા છે કે
‘ન ઝૂકના હૈ, ન રૂકના હૈ, ન થકના હૈ, રાજપથ પર આગે હી આગે બઢતે રહના હૈ…’

- Advertisement -

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ દરેક પડકારોનો સામનો કરીને એમાંથી પાર ઉતરવાનું સામર્થ્ય ધરાવે છે. તેઓ કહે છે કે, વિરોધીઓએ ફેંકેલા પથ્થરોને ભેગા કરીને તેની સીડી બનાવીને અમે આગળ વધ્યા છીએ. આફ્તને અવસરમાં પલટવાનું સામર્થ્ય એટલે નરેન્દ્ર મોદી. એક તરફ ગુજરાતનો આકાશની ઊંચાઈઓને પાર કરતો વિકાસ છે, ત્યારે આખા હિન્દુસ્તાનની નજર ગુજરાત ઉપર છે. આજે સમગ્ર દેશ અને દુનિયા પર્યાવરણીય પડકારો સામે ઝઝૂમી રહી છે, ત્યારે ગ્લોબલ વોર્મિંગના સંકટ સામે લડવા માટે ગુજરાત સરકારે ક્લાઈમેટ ચેન્જનો અલગ વિભાગ રચવાનો વિષય 2009માં નિર્ણય કર્યો. આ એવો વિભાગ છે જે હજુ સુધી આખી દુનિયામાં માત્ર છ જ દેશોમાં અલાયદા મંત્રાલય તરીકે છે! ગુજરાતને ઘણી બધી બાબતોમાં દેશમાં અને દુનિયામાં અગ્રેસર રહેવા બદલ ભારત સરકાર ઉપરાંત યુનો, યુનિસેફ, વિશ્વ આરોગ્ય સંસ્થા વગેરે તરફ્થી અઢી સો (250)થી વધુ ઍવોર્ડ, પુરસ્કાર, સન્માન મળી ચૂક્યાં છે. ગુજરાતે જનસુખાકારી માટે જે ઈ-ગવર્નન્સનું માળખું વિકસાવ્યું છે, તેને રાષ્ટ્રીય સન્માન મળ્યું છે. સિટી સિવિક સેન્ટરોની શૃંખલા ગુજરાતના ખુણે-ખુણે નાગરિકોને 32 પ્રકારની સેવાઓ સુલમ કરાવે છે. જેમાં જન્મ-મરણના દાખલા, જમીન-મકાનને લગતા પ્રમાણપત્રો, જ્ઞાતિના દાખલા વગેરે.

ગુજરાતે 21મી સદીના મૂડ અને મિજાજને પારખીને દસકા પહેલાં દોઢ (1.50) લાખ કિલોમીટર જેટલાં ઓપ્ટિકલ ફાઈબર કેબલ નેટવર્ક (ઓ.એફ.સી.એન.)નું માળખું ઉભું કરેલું છે. ગુજરાતનો ખેડૂત પોતાના ખેતરમાં બેઠા-બેઠા લેપટોપ અને ઈન્ટરનેટના માધ્યમથી કૃષિ માર્ગદર્શન ઓનલાઇન મેળવવા સક્ષમ બન્યા છે. ગુજરાતમાં સતત અને નિરંતર ગુણવત્તાયુક્ત વીજળી આપવામાં આવે છે. આ માટે અમલમાં મૂકવામાં આવેલી જ્યોતિગ્રામ યોજના સમગ્ર દેશના નિષ્ણાતો અને બીજી રાજ્ય સરકારો માટે પણ અભ્યાસનો વિષય બની છે. ગુજરાતે શાળાઓમાં બાળકોનો ઝિરો પર્સન્ટ ડ્રોપ-આઉટ રેશિયો લાવવાની દિશામાં કામ કર્યું છે. શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી રથયાત્રા એનાં ઉત્તમ દૃષ્ટાન્ત છે. ગુજરાતે આરોગ્ય સેવાઓ બહેતર અને ઝડપી બનાવી છે.

108ની ઍમ્બ્યુલન્સ સેવાને પણ શ્રેષ્ઠ રીતે ચલાવવા બદલ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું સન્માન થયું છે. ગુજરાતના કોઈ પણ વિસ્તારમાં ગણતરીની મિનિટોમાં જ પહોંચી જઈને દર્દીનારાયણનો જીવ બચાવવાની કામગીરી આ સેવા દ્વારા થઈ રહી છે. કુપોષણ સામે પણ ગુજરાતે છેક સને 2005થી જંગ છેડેલો છે. પ્રસુતા માતા અને નવજાત શિશુ માટે ચિરંજીવી યોજના, બાલભોગ યોજના, મમતા યોજના સહિતના પ્રકલ્પ રાષ્ટ્રીય સ્તરે સરાહના પામ્યા છે. 108 જેવી જ ‘ખિલખિલાટ’ એમ્બ્યુલન્સ સેવા પ્રસુતા માતા અને નવજાત શિશુને ઘરે મૂકવા માટે શરૂ કરવામાં આવી છે જે દેશની પહેલી સેવા છે.

સમાજના છેવાડાના નાગરિકોની દરકાર પણ આ સરકારે કરી છે. વંચિતોનો વિકાસ, શહેરી ગરીબ કલ્યાણ યોજના, વનબંધુ કલ્યાણ યોજના અને સાગરખેડુ સમૃદ્ધિ યોજના એનાં સફળ દ્રષ્ટાન્તો છે. સમાજના તમામ થરનો, સમાજના તમામ સ્તરનો વિકાસ- સર્વસમાવેશક વિકાસ-સર્વપોષક વિકાસ-સર્વલક્ષી વિકાસ, એ જ ગુજરાતના વિકાસની અને કાર્યસફળતાનું રહસ્ય છે. જેમાં ગુજરાતના સાડા છ કરોડ નાગરિકો પણ પોતાને જોડાયેલા મહેસુસ કરી રહ્યા છે. આ જ છે ગુજરાતના વિકાસ મોડલનું રહસ્ય. આ જ છે વિકાસનો વિશ્વાસ, અવિરત, નિરંતર, સદાકાળ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular