Monday, October 14, 2024
Homeરાજ્યહાલારકાલાવડ પંથકમાં વધુ બે વ્યક્તિને જીવલેણ હાર્ટએટેક

કાલાવડ પંથકમાં વધુ બે વ્યક્તિને જીવલેણ હાર્ટએટેક

નિકાવામાં પ્રૌઢનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ : હરીપરમાં વૃધ્ધને હૃદયરોગના હુમલો આવતા બેશુદ્ધ થઈ જતા મોત

- Advertisement -

કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રહેતાં પ્રૌઢને તેના ઘરે એકાએક છાતીમાં દુ:ખાવો અને ગભરામણ થતા હૃદયરોગનો હુમલો આવતા નજીકની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું અને હરીપર (ખંઢેરા) ગામમાં રહેતાં વૃધ્ધ તેના ખેતરે રાત્રિના સમયે રખોલુ કરતા હતાં ત્યરો હૃદયરોગનો હુમલો આવતા બેશુદ્ધ હાલતમાં હોસ્પિટલે ખસેડાતા મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, ગુજરાત સહિત સમગ્ર દેશમાં છેલ્લાં છએક માસથી હૃદયરોગથી મૃત્યુ નિપજવાની ઘટનાઓમાં અનેકગણો વધારો જોવા મળી રહ્યો છે. આવી ઘટનાઓમાં ખાસ કરીને 20 થી 50 વર્ષ સુધીના વ્યક્તિઓ ભોગ બને છે. ત્યારે ગુજરાતમાં પણ આવા કિસ્સાઓ અનેકગણા વધી ગયા છે. જો કે, હાર્ટએટેકથી મોતના કિસ્સાઓ વધવાનું ચોકકસ કારણ હજુ સુધી જાણી શકયું નથી. ઉપરાંત જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં છ માસથી નાના બાળકોથી લઇને વૃધ્ધ સુધીના વ્યક્તિઓના હૃદયરોગના હુમલાથી મોત નિપજવાની ઘટનાએ ચિંતા ફેલાવી દીધી છે કેમ કે નાની ઉંમરના બાળકો તથા યુવકો જીવલેણ હાર્ટએટેકનો ભોગ બને છે. ત્યારે કાલાવડ પંથકમાં જ 24 કલાક દરમિયાન હૃદયરોગના હુમલાએ વધુ બે વ્યક્તિનો ભોગ લીધો છે. જેમાં પ્રથમ બનાવ કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં પટેલ સમાજ પાસે રહેતાં પંકજભાઈ રણછોડભાઈ મોરડ (ઉ.વ.50) નામના પ્રૌઢને સોમવારે બપોરના સમયે તેના ઘરે એકાએક છાતીમાં દુ:ખાવો અને ગભરામણ થતા હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની કાંતિભાઈ મોરડ દ્વારા જાણ કરાતા હેકો વાય.પી.ગોહિલ તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, કાલાવડ તાલુકાના હરીપર (ખંઢેરા) ગામમાં રહેતાં અને ખેતી કરતાં ખેતી કરતા દામજીભાઈ બેચરભાઈ વસોયા (ઉ.વ.63) નામના પટેલ વૃધ્ધ તેના ખેતરે રાત્રિના રખોલુ કરવા ગયા હતાં તે દરમિયાન તેમને હાર્ટએટેક આવતા બેશુદ્ધ હાલતમાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર કારગત નીવડે તે પહેલાં જ મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે સુભાષભાઈ વસોયા દ્વારા જાણ કરાતા હેકો એસ. જી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular