જામજોધપુર તાલુકાના સમાણામાં એરફોર્સમાં ફરજ બજાવતા યુવાને સસ્તામાં સોનાના સીક્કા મેળવી લેવાની લાલચમાં બે શખ્સો 8 લાખનો ચૂનો લગાડી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

બનાવની વિગત મુજબ, રાજસ્થાનના બીકાનેર જિલ્લાના ડુંગરગઢ ગામનો વતની અને હાલ જામજોધપુરમાં સમાણા એરફોર્સમાં એરમેનમેસમાં ફરજ બજાવતા પારસ કિશનલાલ રાજપુરોહિત (ઉ.વ.25) નામના યુવાન કર્મચારીને હિંમતનગરના લાલજી મોતીરામ બાવરી અને દિલા સલાટ નામના બે શખસોએ પૂર્વ આયોજીત કાવતરુ રચી પારસને સોનાના સાચા સીક્કા સસ્તામાં આપવાની લાલચ બતાવી એરફોર્સના જવાન પાસેથી રૂા.8 લાખ પડાવી લઇ જવાનને સોનાના સાચા સીક્કાને બદલે ખોટા સીક્કા ધાબડી દઇ આઠ લાખનો ચુનો લગાડી દીધો હતો. છેતરપિંડી થયાની જાણ થતા પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે ઇન્ચાર્જ પીઆઈ પી જી પનારા તથા સ્ટાફે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.