કાલાવડ ગામમાં રહેતાં બે વેપારીઓને કપાસનો વેસ્ટના વેચાણ માટે વિશ્વાસમાં લઈ રાજસ્થાન બોલાવી ઓરડીમાં પૂરી ચાર અજાણ્યા શખ્સોએ વેપારી પાસેથી લાખોની રકમ પડાવી લીધાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગેની વિગત મુજબ કાલાવડ ગામમાં રહેતા મૌલિકભાઈ સાવલિયા અને તેના મિત્ર ભાવેશભાઈ નામના બે વેપારીઓને કપાસનો વેસ્ટ વેચાણથી આપવા માટે રાજસ્થાનના અલવરના ચાર શખ્સોએ ફોન પર વાતચીત કરી વિશ્વાસમાં લીધા હતા. બંને વેપારી વિશ્વાસમાં આવી ગયા બાદ મૌલિક અને ભાવેશને ગત તા. 14 ઓગસ્ટના રાજસ્થાનના અલવર ગામ બોલાવ્યા હતા. ત્યાર બાદ બંને વેપારીઓને અલવરથી પાત્રીસ કિમી દૂર એક ગામમાં આવેલા ખેતરમાં લઈ ગયા હતા.
ત્યારબાદ ચાર શખ્સોએ પૂર્વ આયોજિત કાવત્રુ રચી બંને વેપારીને અપશબ્દો બોલી હથિયાર બતાવી ફડાકા અને ઢીકાપાટુંનો માર મારી બંનેના ખીસામાં રહેલી 15,000 ની રોકડ લૂંટી લીધી હતી. અને મૌલિકના ખાતામાંથી રૂપિયા બે લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. તથા મૌલિકના મિત્ર સતીષ પાસેથી ઓનલાઇન ચાર લાખની રકમ ટ્રાન્સફર કરાવી બને વેપારી પાસેથી કુલ રૂપિયા 6,15,000 ની રકમ લુંટ ચલાવી પતાવી દેવાની ધમકી આપી હતી.
બાદમાં રાજસ્થાનના અલવરથી હેમખેમ પરત આવેલા મૌલિકભાઈએ જાણ કરતા પોલીસ ઇન્સ્પેટર વી એસ પટેલ તથા સ્ટાફે રાજસ્થાનના ચાર અજાણ્યા શખ્સો વિરૂધ્ધ પૂર્વ આયોજિત કાવતરું રચી ઓરડીમાં પૂરી માર મારી લાખોની રકમ પડાવી લીધાનો ગુન્હો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.