Friday, March 29, 2024
Homeરાજ્યજામનગરઆવક વધારવા જામ્યુકોએ ફરી અમલમાં મૂકી વ્યાજ માફી યોજના

આવક વધારવા જામ્યુકોએ ફરી અમલમાં મૂકી વ્યાજ માફી યોજના

2006 પહેલાંની મિલ્કત અને પાણી વેરાની બાકી રકમની ભરપાઇ પર 100 ટકા વ્યાજ માફી : 2006 પછીની રકમ પર 75 ટકા વ્યાજ માફી આપવાનો નિર્ણય : 31 માર્ચ સુધી અમલમાં રહેશે આ યોજના : બજેટમાં કમિશનરે સૂચવેલા તમામ ચાર્જિસ વધારાની દરખાસ્ત ફગાવી દેવાઇ : બાગ બગીચાઓની પ્રવેશ ફી નહીં વધે

- Advertisement -

જામનગર મહાપાલિકાએ મિલકતવેરાની બાકી રકમ ઉપર ફરી એકવાર વ્યાજ માફી યોજના જાહેર કરી છે. આ ઉપરાંત 2022-23ના બજેટમાં કમિશનર દ્વારા સૂચવવામાં આવેલાં જુદા-જુદા ચાર્જિસ વધારાની દરખાસ્તને ફગાવી દેવામાં આવી છે. તમામ જૂના ચાર્જિસ યથાવત રાખી જામ્યુકોની સ્થાયી સમિતિએ બજેટને સામાન્ય સભામાં રજુ કરવા માટે બહાલી આપી છે.

- Advertisement -

ચેરમેન મનિષ કટારિયાના અધ્યક્ષસ્થાને આજે યોજાયેલી જામ્યુકોની સ્થાયી સમિતિની બેઠકમાં જામ્યુકોની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આવક વધારવા માટે વસુલાત પર જોર આપવાના ઉદેશ સાથે લાંબા સમયથી બાકી રોકાતી મિલ્કતવેરાની રકમ ઉપર વ્યાજ માફી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અગાઉ પણ જાહેર કરાયેલી વ્યાજ માફીની યોજના ફરી એક વખત અમલમાં મૂકવામાં આવી છે. આજે જાહેર કરવામાં આવેલી યોજના મુજબ 2006 પહેલાંની રેન્ટબેઝ મુજબ હાઉસ ટેકસ અને વોટર ચાર્જની બાકી રોકાતી રકમ ઉપર 100 ટકા વ્યાજમાફી આપવામાં આવશે. જયારે 1 એપ્રિલ 2006 પછી અમલમાં આવેલ ક્ષેત્રફળ આધારરિત મિલકતવેરાની બાકી રોકાતી રકમ ભરપાઇ કરવા પર 75 ટકા વ્યાજ માફી આપવામાં આવશે. આ યોજનાની અમલવારી આવતીકાલથી એટલે પાંચ ફેબ્રુઆરીથી શરૂ થઇ જશે. જે 31 માર્ચ સુધી ચાલશે. આ સમયગાળા દરમ્યાન બાકી રકમ ભરપાઇ કરનાર આસામીને વ્યાજ માફી યોજનાનો લાભ આપવામાં આવશે.

- Advertisement -

દરમ્યાન 31 જાન્યુઆરીએ મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલાં વર્ષ 20રર-23ના 853 કરોડના અંદાજપત્રની દરખાસ્તો ઉપર ચર્ચા-વિચારણા કર્યા બાદ કમિશનર દ્વારા સૂચવાયેલ જુદા-જુદા બાગ બગીચાઓમાં પ્રવેશ ફી માં વધારો તેમજ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી ચાર્જ સહિતના તમામ ચાર્જિસ વધારાની દરખાસ્તને ફગાવી દઇ શહેરીજનોને કોરોના કાળમાં રાહત આપવામાં આવી છે. મિલ્કતવેરા અને પાણી ચાર્જમાં પણ કોઇ વધારો કરવામાં આવ્યો નથી. જયારે અન્ય દરો પણ યથાવત રાખવામાં આવ્યા છે. ઉપરોકત સુધારા વધારા સાથે જામનગર મહાપાલિકાના વર્ષ 20રર-23ના ડ્રાફટ અંદાજપત્રને સ્થાયી સમિતિ દ્વારા સામાન્ય સભામાં રજૂ કરવા માટે બહાલી આપવામાં આવી હતી. આમ કોઇપણ પ્રકારના કર દર વધારા વગરનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. બેઠકમાં ચેરમેન ઉપરાંત મેયર બિનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર, કમિશનર વિજય ખરાડી, ચીફ એકાઉન્ટન્ટન જિગ્નેશ નિર્મલ જુદા-જુદા વિભાગના કંટ્રોલિંગ અધિકારીઓ તેમજ સમિતિના સભ્યો ઉપસ્થિત રહયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular