જામનગર શહેરના ગુલાબનગરમાં રહેતાં યુવકે ફોટોગ્રાફીનો ઓર્ડર આપવા બાબતે વારંવાર ફોન કરતાં ત્રણ શખ્સોએ યુવકને તેના મિત્રોને ગાળો કાઢી, ઢીકાપાટુનો માર મારી, ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આદરી હતી.

બનાવની મળતી વિગત મુજબ જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા સાવનભાઇ સુનિલભાઇ જાટિયા નામના 21 વર્ષના યુવકને તેની સગાઇ માટે ફોટોશૂટ કરવા ફેનિલ સોમૈયા સાથે વાતચિત થઇ હતી. પરંતુ આ બાબતે ફેનિલ દ્વારા કોઇ જવાબ આપવામાં આવ્યો ન હતો. તેથી સાવનએ ફેનિલને વારંવાર ફોન કરતાં ફેનિલ સોમૈયા, કૃષ્ણરાજ અને અર્પિત નામના ત્રણ શખ્સોએ સાવન અને તેના મિત્રોને ખોડિયાર કોલોની, પેટ્રોલ પંપ પાસે બોલાવ્યા હતા. જ્યાં ત્રણેય શખ્સોએ યુવક અને તેના મિત્રો સાથે ગાળાગાળી કરી, યુવકને ધક્કો મારી, ઢીકાપાટુનો માર મારી ઇજા પહોંચાડી પતાવી દેવાની ધમકી આપી હતી. માર મારી, ધમકી આપ્યાના બનાવ અંગેની સાવન દ્વારા જાણ કરાતા હે.કો. ડી. એન. ત્રિવેદી તથા સ્ટાફએ ત્રણ શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.