જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલ પાન-મસાલાની દુકાને ઉધારમાં મસાલો આપવાની ના પાડતા દુકાનદાર ઉપર ત્રણ શખ્સોએ હુમલો કરી પોલીસ કેસ કરીશ તો, મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

બનાવની વિગત મુજબ જામનગર શહેરના નવાગામ ઘેડની જશવંત સોસાયટીમાં રહેતા જયંતીલાલ મણિલાલ ભટ્ટ (ઉ.વ.46) નામના વેપારી યુવાન શુક્રવારે રાત્રિના સમયે તેની પાનની દુકાને હતા ત્યારે વિક્રમસિંહ જાડેજા, ગંભીરસિંહ જાડેજા અને મહેન્દ્રસિંહ ઉર્ફે લાલો જાડેજા નામના ત્રણ શખ્સોએ આવીને મસાલો ઉધારીમાં માંગ્યો હતો. તેથી વેપારીએ ઉધારીમાં મસાલો આપવાની ના પાડી હતી. તેથી ઉશ્કેરાયેલા ત્રણેય શખ્સોએ વેપારી યુવાનને જેમ ફાવે તેમ ગાળો કાઢી, ઢીકાપાટુનો માર મારી ઇજા પહોંચાડી હતી. તેમજ મહેન્દ્રસિંહએ પાઇપ વડે હુમલો કરી પોલીસ કેસ કરીશ તો, પતાવી દઇશ તેવી ધમકી આપી નાશી ગયા હતા. ત્યારબાદ ઘવાયેલા વેપારી યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઇ જે. પી. સોઢા તથા સ્ટાફએ ત્રણ શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.