જામનગરમાં યુવતિ સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં અદાલત દ્વારા આરોપીને દસ વર્ષની સખત કેદની સજા તથા રૂા. 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેમજ ભોગ બનનાર પીડિતાને વળતર પેટે રૂા. બે લાખ ચૂકવવા પણ હુકમ કરવામાં આવ્યો છે.

આ કેસની વિગત મુજબ ફરિયાદી/ભોગ બનનારએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદ નોંધાવ્યાના આઠ માસ પૂર્વે તેમના મકાનની બાજુમાં આવેલ જયેશભાઇ જે લંડન રહેતાં હોય ત્યાં અમિત નામનો શખ્સ કામ કરવા આવતો હતો. ત્યારે ભોગ બનનાર સાથે પરિચય કેળવી તેના નાનાભાઇની પત્ની સાથે મોબાઇલ મોકલાવી તેની સાથે ફોનમાં વાત કરતો હતો અને સુરત ફરવા જવાનું કહેતો હતો. જે માટે ફરિયાદીએ ના પાડવા છતાં ગત્ તા. 22-07-2018ના રાત્રિના સમયે આરોપી અમિત દિનેશ પઢિયારએ ફોન કરી કહ્યું હતું કે, “ઘરના બધાં ફેમિલી સાથે ફરવા જવું છે. અઢી વાગ્યે તૈયાર રહેજે. હું તેડવા આવીશ.” ભોગ બનનારે ના પાડવા છતાં ધરારથી ફરવા માટે દબાણ કરી રાત્રિના ઘર પાસે આવી પ્રજાપતિની વાડી પાસે આવવાનું કહ્યું હતું અને કહ્યું હતું કે, “ઘરથી બહાર નીકળ ત્યારે અગાઉથી મોકલેલ ભભૂતિ ઘરેથી છાંટીને નીકળજે અને પાછું વળીને ન જોતી.” તેમ જણાવ્યું હતું.
ભોગ બનનાર આરોપીના કહ્યા મુજબ પ્રજાપતિની વાડી પાસે પહોંચી હતી ત્યારે અમિત તથા તેનો મિત્ર કપિલ સ્કુટી લઇને ઉભા હતા અને ફરિયાદીને ધરારથી સ્કુટરમાં બેસાડી દિગ્જામ સર્કલ પાસે લઇ જઇ એક બોલેરો ગાડીમાં અમિતનો નાનોભાઇ મયૂર તથા તેની પત્ની હીરલ અને અમિતનો મિત્ર કાનો બેઠાં હતાં. સ્કુટી બોલેરો પાછળ મૂકી અને ફરિયાદીને બોલેરોમાં બેસાડી રાજકોટ લઇ ગયા હતા. જ્યાં તેમના બહેન કિરણબેનના ઘરે ફરિયાદીની ઇચ્છા વિરૂઘ્ધ બળજબરીથી શરીરસંબંધ બાંધી ભોગ બનનારને ગુલાબનગર ઉતારી આરોપી જતો રહ્યો હતો.
આ અંગે ભોગ બનનાર દ્વારા સિટી ‘સી’ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે કેસ સ્પે. પોક્સો કોર્ટમાં વી. પી. અગ્રવાલની અદાલતમાં ચાલી જતાં દસ્તાવેજી પુરાવાઓ તથા સરકારી વકીલની દલીલ ઘ્યાને લઇ અમિત દિનેશ પઢિયારને તકસીરવાન ઠેરવી આઇપીસી કલમ 376 તથા પોક્સો કલમ 4, 6 મુજબ દસ વર્ષની સખત કેદની સજા તથા રૂા. 10 હજાર દંડ અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજા તથા આઇપીસી કલમ 363 મુજબ ત્રણ વર્ષની સાદી કેદની સજા અને રૂા. બે હજારનો દંડ તથા દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા તથા આઇપીસી કલમ 366 મુજબ પાંચ વર્ષની સાદી કેદની સજા તથા રૂા. 5 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા તથા ભોગ બનનારને વળતર પેટે રૂા. બે લાખ ચૂકવવા સ્પે. પોક્સો કોર્ટના જજ વી. પી. અગ્રવાલએ આદેશ કર્યો હતો. આ કેસમાં સરકારી વકીલ તરીકે ભારતીબેન વાદી રોકાયા હતા.