જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં રહેતા ખેડૂત યુવાન સહિતના લોકોને ત્રણ શખ્સોએ વિશ્વાસમાં લઇ મગફળીના પાકના રૂા. 27 લાખ નહીં ચૂકવી છેતરપિંડી આચર્યાના કેસમાં પોલીસે તપાસ આરંભી હતી.

છેતરપિંડીના બનાવની વિગત મુજબ જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં રહેતા અને ખેતી કરતાં દિનેશભાઇ સુરાભાઇ પરમાર નામના ખેડૂત આધેડને તેના જ ગામના રમેશ મથુરાદાસ વિઠ્ઠલાણી, ગોપાલ મથુરાદાસ વિઠ્ઠલાણી અને કિશન રમેશ વિઠ્ઠલાણી નામના ત્રણ વેપારી શખ્સોએ સતાપરના દિનેશભાઇ સહિતના ખેડૂતોને મગફળીનો તથા અન્ય પાક વેચવા માટે વિશ્વાસમાં લીધા હતા. જેમાં દિનેશભાઇએ તેનો મગફળીનો પાક રૂા. 5,16,450માં વેપારીને વહેચી નાખ્યો હતો. ઉપરાંત અન્ય ખેડૂતોએ પણ આ પેઢીના ત્રણેય વેપારી શખ્સોને 27 લાખની કિંમતની ખેતીની જણસો વેંચી હતી. પરંતુ પેઢીના આ ત્રણેય સંચાલકો દ્વારા અનેક ખેડૂતો પાસેથી ખેતીની જણસોની ખરીદી કરી પૈસા ચૂકવ્યા ન હતા. અવારનવાર ખેડૂતો દ્વારા પૈસાની માંગણી કરવામાં આવતી હતી. તેમ છતાં પૈસાની ચૂકવણી થતી ન હતી અને ત્યારબાદ વેપારીઓનો સંપર્ક થઇ શકતો ન હતો.
બાદમાં વેપારી પેઢી દ્વારા આચરેલી છેતરપિંડીનો ભોગ બનેલા ખેડૂતો ત્રાસી ગયા હતા અને આખરે પોલીસ શરણે ગયા હતા. જ્યાં પીએસઆઇ એચ. બી. વડાવિયા તથા સ્ટાફએ ભોગ બનનાર ખેડૂતોના નિવેદનના આધારે વેપારી પેઢીના ત્રણ સંચાલકો સામે 27 લાખની છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધી શોધખોળ આરંભી હતી.