જામનગર શહેરમાં ગુલાબનગર વિસ્તારમાં રહેતાં મહિલાએ કબ્જા વગરના મકાનનો સોદો કર્યો હતો. જે પેટે રકમની ચૂકવણી ન કરતાં મહિલા દ્વારા કરાયેલી અરજીનો ખાર રાખી દંપતી સહિતના ત્રણ શખ્સોએ મહિલાના પુત્રને માર મારી ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ગુલાબનગર ઢાળિયા પાસે આવેલી યોગેશ્ર્વર સોસાયટીમાં રહેતાં અને પડધરી તાલુકાના થોળિયારી ગામના વતની જોશનાબેન કમલેશભાઈ વાઘેલા (ઉ.વ.40) નામના મહિલાએ જામનગરના ડિફેન્સ કોલોની બાલાજી પાર્ક 3 માં રહેતાં મનસુખ બચુ પરમાર અને છાયા મનસુખ પરમાર સાથે કબ્જા વગરના મકાનનો સોદો કર્યો હતો. જેના રૂા.2,10,000 મહિલાને ચૂકવ્યા ન હતાં. જેથી જોશનાબેને અરજી કરી હતી. જેનો ખાર રાખી ગુરૂવારે સવારના સમયે મનસુખ બચુ પરમાર, છાયાબેન મનસુખ પરમાર અને વિશાલ મનસુખ પરમાર નામના ત્રણેય શખ્સોએ એકસંપ કરી જોશનાબેનના પુત્રને ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે જોશનાબેન દ્વારા કરાયેલી ફરિયાદના આધારે પીએસઆઈ એન.પી. જોશી તથા સ્ટાફે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.