ધ્રોલ ગામમાં આવેલી નિલકંઠ સોસાયટીમાં રહેતાં ખેડૂત યુવાનના બંધ મકાનના તાળા તોડી તસ્કરો રૂા.20000 ની રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂા.1,80,500 ની માલમતા ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે ગુનાશોધક શ્વાન અને એફએસએલની તથા સીસીટીવીની મદદથી ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના મોટા ઈટાળા ગામના વતની અને હાલ ધ્રોલમાં આવેલી નિલકંઠપાર્ક સોસાયટીમાં રહેતાં વિજયભાઈ વલ્લભભાઈ મુંગરા(ઉ.વ.40) નામના ખેડૂત યુવાનના તા.18 ના સવારે 9:30 થી 19 ના સવારે 11 વાગ્યા સુધીના સમય દરમિયાન બંધ રહેલા મકાનમાં તસ્કરો ત્રાટકયા હતાં અને મુખ્ય દરવાજાના તાળાના નકૂચા તોડી મકાનમાં પ્રવેશ કરી રૂમમાં રહેલા કબાટના દરવાજાનો લોક તોડી નાખ્યો હતો અને કબાટની તિજોરીના લોક તોડી તેમાં રાખેલા રૂા.20 હજારની કિંમતનો અડધા તોલાનો સોનાનો ચેઈન અને રૂા.25000 ની કિંમતની દોઢ તોલાની સોનાની વીટી તથા રૂા.70000 ની કિંમતની દોઢ તોલાની સોનાની બે નંગ બુટી અને રૂા.15000 ની કિંમતની અડધા તોલાની સોનાની બુંટી બે નંગ તથા 6000 ની કિંમતનો સોનાનો ઓમ બે નંગ અને રૂા.15000 ની કિંમતનો 300 ગ્રામ ચાંદીનો કંદોરો તથા રૂા.1500 ની કિંમતના બે નંગ ચાંદીના સાંકળા તથા રૂા.3000 ની કિંમતનું ચાંદીનું નારિયેળ, રૂા.5000 ની કિંમતના પાંચ નંગ ચાંદીના સીક્કા તથા રૂા.20000 ની કિંમતની રોકડ રકમ સહિતની માલમતા તથા કબાટના પર્સમાં રાખેલી ધ્રોલ બેંક ઓફ ઈન્ડીયાની પાસબુક તથા કપાસ-મગફળીના વેંચાણના બીલો મળી કુલ રૂા.1,80,500 ની માલમતા ચોરી કરી ગયા હતાં.
ત્યારબાદ બહારગામથી પરત ફરેલા મુંગરા પરિવાર દ્વારા પોલીસમાં જાણ કરતા પીએસઆઈ પી જી પનારા તથા સ્ટાફે બનાવસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી તપાસ આરંભી હતી. પોલીસે આજુબાજુના વિસ્તારમાંથી સીસીટીવી ફુટેજો એકઠા કરી ગુનાશોધક શ્વાન અને એફએસએલની મદદ વડે ચોરીનો ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી.