જામનગર શહેરના રોજી પેટ્રોલ પંપ સામે આવેલા એપાર્ટમેન્ટમાં રહેતાં વેપારી યુવાનને તેના ભાગીદારે રૂા.50 લાખના રોકાણ બાદ પણ નફા-નુકસાનનો હિસાબ નહીં આપી રૂપિયા પરત ન આપતા આર્થિક તંગી અને માનસિક દબાણથી કંટાળીને યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
આ બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં રોઝી પેટ્રોલ પંપ સામે આવેલા શાંતિહામોર્નિ વીંગ-ઈ 1001 નંબરમાં રહેતાં રાજેશભાઈ મોતીરામ ખન્ના નામના વેપારી યુવાને કોમલ સેલ્સ એજન્સી ચલાવતા હાર્દિક ગીરીશ વોરા નામના વેપારી સાથે સેલ્સ એજન્સી ચલાવવા માટે રાજેશભાઈ તથા તેમના પત્ની મમતાબેનના નામે જુદી જુદી બેંકમાંથી રૂા.50 લાખની લોન લીધી હતી અને આ માતબર રકમ હાર્દિક વોરાને આપી હતી. ત્યારબાદ ધંધામાં થયેલા નફા-નુકસાન અંગેનો કોઇ હિસાબ હાર્દિકે રાજેશભાઈને આપ્યો ન હતો અને પોતે રોકેલા નાણાં પરત ન આપતા રાજેશભાઈ દ્વારા અવાર-નવાર હિસાબ તથા રૂપિયાની માંગણી કરવા છતાં હાર્દિકે કોઇ હિસાબ આપ્યો ન હતો. જેના કારણે આર્થિક તંગી તથા માનસિક દબાણમાં આવી જતાં રાજેશભાઇ મોતીરામ ખન્ના નામના યુવાને ગત તા.10 ના રોજ બપોરના સમયે તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
વેપારી યુવાનના આપઘાત બાદ મૃતકની પત્ની મમતાબેન રાજેશભાઈ ખન્ના દ્વારા સિટી સી ડીવીઝનમાં હાર્દિક ગીરીશ વોરા નામના કોમલ સેલ્સ એજન્સી ચલાવતા વેપારી વિરૂધ્ધ રાજેશભાઇને મરી જવાની દુષ્પ્રેરણા આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ એમ.વી. દવે તથા સ્ટાફે હાર્દિક વ્હોરા વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.