જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં ચારણનેશ વિસ્તારમાં અવાર-નવાર દિપડાએ દેખા દીધી છે અને હાલમાં જ રાત્રિના સમયે ચારણ ગઢવી પરિવારની માસુમ બાળકી નિંદ્રાધિન હતી ત્યારે હુમલો કર્યો હતો. જોકે, બાળકીના પિતા જાગી જતા દિપડા ઉપર પ્રહાર કરવા જતાં દિપડો બાળકી મુકીને નાશી ગયો હતો.
બહાદુર ચારણ ક્ધયાની વાર્તા મુજબ બનેલી ઘટના એ ફરીથી જુની વાર્તાની યાદ તાજા કરાવી દીધી હતી. હાલમાં બનેલી ઘટના મુજબ જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં આવેલી ચારણનેશ ધુના પાસે 10 થી 12 જેટલા ચારણ પરિવારોના રહેણાંક નેસડા આવેલા છે અને સમાણાનો સીમ વિસ્તાર હોવાથી અહીંયા અવાર-નવાર દિપડો તથા અન્ય પ્રાણીઓ અવર-જવર કરતા હોય છે. દરમિયાન રાત્રિના સમયે તેજાભાઈ ગઢવી તથા તેમનો પરિવાર ઘોર નિંદ્રામાં હતો. ત્યારે એકાએક જ બાજુના જંગલના વિસ્તારમાંથી દિપડો ચડી આવ્યો હતો અને દિપડાએ ઘોડીયામાં સુતેલી બાળકી પર તળાપ મારી હતી. તે સમયે જ તેજાભાઈ ગઢવી નિંદ્રામાંથી જાગી જતાં દિપડો બાળકીને લઇને જતો નજરે પડતા તેજાભાઈએ દિપડા ઉપર પ્રહાર કર્યો હતો. જેથી દિપડો બાળકીને મુકીને જંગલમાં નાશી ગયો હતો. દિપડાએ તડાપ મારતા માસુમ બાળકીના માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ગઢવી પરિવાર બાળકીને જામનગરની જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે લઇ આવ્યો હતો અને ત્યાં બાળકીને સારવાર આપવામાં આવી હતી.