જામનગર તાલુકાના સાપર ગામમાં રહેતી યુવતીએ તેણીના 11 માસના પુત્રને શરદી જેવી બીમારી રહેતી હોવાથી ચિંતામાં એસિડ પી જતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના સાપર ગામમાં રહેતાં દિવ્યાબા સિધ્ધરાજસિંહ વાઘેલા (ઉ.વ.24) નામના યુવતીનો 11 માસનો પુત્ર મીતરાજસિંહ નામના બાળકને શરદી જેવી નાની નાની બીમારીઓ રહેતી હતી. જેના કારણે બાળક રડયા કરતો હતો. પુત્ર રડતો રહેતા ચિંતામાં દિવ્યાબાએ ગત તા.17 ના રોજ સવારના સમયે તેમના ઘરે એસિડ પી જઈ આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવ અંગે મૃતકના પતિ સિધ્ધરાજસિંહ દ્વારા જાણ કરાતા પીઆઈ વી.બી. ચૌધરી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.