Saturday, April 20, 2024
Homeરાજ્યગુજરાતપોતાનાં જ ખેલમાં ફસાઇ સરકાર !

પોતાનાં જ ખેલમાં ફસાઇ સરકાર !

ગુજરાત સરકારનો કોરોના મોતનો આંકડો 10082, કોરોનામાં માતા-પિતા ગુમાવનાર 16,761થી વધુ બાળકોની અરજીઓ ‘સહાય’ માટે આવતાં સરકારે ‘કટ ઓફ ડેટ’ ઉમેરી, અરજીઓ સ્વિકારવાનું બંધ

- Advertisement -

કોરોનાકાળમાં અનાથ થયેલા બાળકોને મહિને રૃ. 4000ની સહાય આપતી બાળ સેવા યોજના માં ગુજરાત સરકાર પોતાના જ ખેલમાં ફસાણી છે. સરકારે રેકર્ડ ઉપર ગુજરાતમાં માર્ચ- 2020થી અત્યાર સુધીમાં કોરોનાથી 10,082 નાગરીકોના મૃત્યુ જાહેર કર્યા છે. જેની સામે બાળ સેવા યોજનામાં અનાથ, માતા કે પિતામાંથી એકની છત્રછાયા ગુમાવનારા શુન્યથી 21 વર્ષના બાળકોની 16,761થી વધારે અરજીઓ સમાજ કલ્યાણ અધિકારીઓને મળી છે.

કોરોનાથી સત્તાવાર મૃત્યુ કરતા ઉક્ત યોજનામાં સહાયને પાત્ર બાળકો વધે, આંકડાની માયાજાળ ઉઘાડી પડે તેવી ભનક આવતા સરકારે 27 ઓગસ્ટથી જિલ્લા કચેરીઓમાં, ઓનલાઈન પોર્ટલમાં નવી અરજીઓ સ્વિકારવાનું બંધ કરાવ્યુ હતુ. હવે 11 જૂન 2021નો મૂળ ઠરાવમાં માત્ર 30 જૂન 2021 સુધી અવસાનના કિસ્સામાં જ સહાય મળશે એવુ વાક્ય ઉમેરીને વહિવટી તંત્રને 31 ઓગસ્ટ 2021 સુધીની અરજીઓ જ સ્વિકારવા નવો ઠરાવ પ્રસિધ્ધ કર્યો છે. ત્રણ મહિના પૂર્વે મુખ્યમંત્રીએ યોજના જાહેર કરી ત્યારે અને બાદમાં સામાજિક ન્યાય અધિકારીતા વિભાગે ઠરાવ પ્રસિદ્ધ કર્યો ત્યારે આવી કટ ઓફ ડેટ નહોતી !

મંગળવારે આ સુધારા ઠરાવની સાથે જ આંકડાનો ખેલ ખુલ્લો થયો છે. તેવામાં વિભાગના મંત્રી ઈશ્વર પરમારે ગુરૃવારે 17 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી વિજય રૃપાણી રાજકોટમાં આ યોજના હેઠળ 8,000 બાળકોને બેંક એકાઉન્ટમાં સહાય ચૂકવશે એમ કહ્યુ હતુ. તો બીજી તરફ આરોગ્ય વિભાગના રિસર્ચ રિપોર્ટ મુજબ ગુજરાતમાં કોરોનાથી 15થી 59ના વયજુથમાં 5,068 નાગરીકોના જ મૃત્યુ થયા છે. શુન્યથી 21 વર્ષના અધિકાંશ બાળકો આ વયજુથમાંથી જ હોઈ શકે છે.

આંકડાનો ખેલ ખુલ્લો પડે, વિવાદ સર્જાય તે પહેલા જ સરકારે નવો રસ્તો શોધ્યો છે. ડેપ્યુટી સેક્રેટરી જી.પી.પટેલે મંગળવારે નવો ઠરાવ પ્રસિધ્ધ કર્યો છે. જેમાં બાળ સેવા યોજના માટે હવે પહેલા અરજીની ચકાસણી અને પછી મંજૂરી માટે કમિટી રચી દેવાઈ છે. જેમાં જિલ્લામાં ચીફ ડિસ્ટ્રીક્ટ હેલ્થ ઓફિસર, સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા એમ ત્રણ અધિકારીઓ રહેશે.

યોજનામાં સુધારા સંદર્ભે ઉઠેલા પ્રશ્નોનો જવાબ આપતા મુખ્યમંત્રી વિજય રૃપાણીએ કહ્યુ કે, અમે કોરોનાનો કાળ 30 માર્ચ 2020થી 30 જૂન 2021 સુધી ગણ્યો છે. કારણ કે, 30 જૂન પછી ગુજરાતમાં કોરોનાથી મૃત્યુ નથી. અરજીઓ આવી તેમાં કોઈના માતા- પિતા કે વાલીએ આત્મહત્યા કરીને ગુજરી ગયા હોય કે પછી કોઈ અકસ્માત કે દારૃને કારણે અવસાન પામ્યા હોય તેવા કારણો રજૂ થયા છે. જેને કોરોના સાથે સબંધ નથી. આથી તેની મંજૂરી પૂર્વે ચકાસણીની સમિતિ રચી છે.

ગુજરાતમાં વર્ષ 2009થી અનાથ બાળકો માટે પાલક માતા- પિતા યોજના અમલમાં છે. જેમાં મહિને રૃ.3000ની સહાય મળે છે. કોરોનાથી અનાથ બાળકોને સહાય મુદ્દે સુપ્રિમ કોર્ટે આદેશ કરતા સરકારે પહેલા તો મહિને રૃ.4000ની સહાય સાથે બાળ સેવા યોજના જાહેર કરી. પાછળથી 10 વર્ષ જૂની અને ઉતાવળે આવેલી નવી યોજના વચ્ચે વિરોધાભાસ સર્જાતા વહિવટી આંટાઘુંટી વચ્ચે અઢી મહિના અગાઉ 11 જૂને ઠરાવ પ્રસિધ્ધ કર્યો.
મૂળ ઠરાવમાં વયમર્યાદાનો વાંઘો ઉઠતા સહાય 21 વર્ષ સુધી આપવા 27મી જૂલાઈએ ઠરાવ સુધાર્યો, દરમિયાન બાળ સ્વરાજ પોર્ટલમાં કોરોનાના 16 મહિનામાં 928 અનાથ અને 4,053 બાળકોના માતા કે પિતાના અવસાનની વિગતો પ્રકાશિત કરતા 28 જૂલાઈએ સરકારે એક વાલીના અવસાનમાં પણ રૃ.2000ની સહાય જાહેર કરી. હવે અરજીઓ વધતા કટ ઓફ ડેટ અને કમિટી થોપી દેવાઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular