Saturday, April 20, 2024
Homeરાષ્ટ્રીયપારોઠનાં પગલાં : સરકારે બદલ્યાં અનેક નિર્ણયો

પારોઠનાં પગલાં : સરકારે બદલ્યાં અનેક નિર્ણયો

નાની બચત યોજનાના વ્યાજદર ઘટાડા મુદ્દે સરકારનો રાતોરાત યુ-ટર્ન: આજથી લાગુ થનાર નવો વેતન કાયદો પણ ટાળી દેવામાં આવ્યો: આધારને પાનકાર્ડ સાથે લીંક કરવાની મુદ્તમાં પણ વધારો: બેન્ક ચાર્જિસની જાણકારી આપવાનો નિર્ણય પણ આરબીઆઇએ ટાળ્યો

- Advertisement -

કેન્દ્ર સરકારને પોતાના અનેક નિર્ણયોમાં પારોઠનાં પગલાં ભરવાની ફરજ પડી છે. જે નિર્ણયોનો અમલ આજથી કરવામાં આવનાર હતો તે અમલવારી ટાળી દેવામાં આવી છે. આ માટે અનેક કારણો જવાબદાર માનવામાં આવે છે. ખાસ તો નાની બચત યોજનાઓના વ્યાજદરમાં ઘટાડો કરવાનો હજુ ગઇકાલે સાંજે લીધેલો નિર્ણય કલાકોમાં ફેરવવો પડયો છે. સરકારે ગણતરીની કલાકોમાં જ યુ ટર્ન લઇ વ્યાજદરનો નિર્ણય પરત લીધો છે. તો નાણાંમંત્રી સીતારમણે પણ કબૂલ્યું કે, ભૂલ થઇ ગઇ !

- Advertisement -

વ્યાજદર ઘટાડાના મહત્વના નિર્ણયો ઉપરાંત નવો લેબરકોર્ટ લાગુ કરવાનો ફેંસલો પણ ટાળી દેવામાં આવ્યો છે. એક એપ્રિલથી નવો વેજ કોડ લાગુ થનાર હતો પરંતુ તેની અમલવારી પણ મોકુફ રાખવામાં આવતાં ભારતીય કંપનીઓને મોટી રાહત મળી છે. જયારે કર્મચારીઓને સેલેરી સ્ટ્રકચરમાં પણ કોઇ ફેરફાર નહીં થાય. બીજી તરફ પાનકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની મુદતનો ગઇકાલે છેલ્લો દિવસ હતો. આ માટે સરકાર દ્વારા લીંક નહીં કરાવનાર લોકોને રૂા. 1000નો દંડ ફટકારવાની ચેતવણી પણ આપવામાં આવી હતી. સરકાર દ્વારા આ નિર્ણયમાં પણ ફેરફાર કરીને લીંક કરવાની મુદ્તા સપ્ટેમ્બર સુધી લંબાવી દેવામાં આવી છે. ઉપરાંત આરબીઆઇ દ્વારા બેંકોના ચાર્જિસ અંગે પણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો અને તેની અમલવારી પણ આજથી જ થવાની હતી. પરંતુ આ નિર્ણય પણ મોકુફ રાખી અમલવારીની મુદત સપ્ટેમ્બર કરી દેવામાં આવી છે. આમ કેન્દ્ર સરકાર દ્વારા નવા નાણાંકિય વર્ષના પ્રારંભે જ પોતાના અનેક નિર્ણયો બદલવા પડયા છે. આ માટે અનેક રાજયોમાં ચાલી રહેલી ચૂંટણી પ્રક્રિયા, ખેડૂત આંદોલન, વકરતી જતી કોરોનાની બીજી લહેરની સ્થિતિ, સરકારની નાણાંકિય સ્થિતિ તેમજ લોકોમાં વ્યાપ્ત નારાજગી જેવા કારણોને જવાબદાર માનવામાં આવે છે. સરકારે બચત યોજનાઓના વ્યાજ દરમાં કાપની જાહેરાત પાછી ખેંચી લીધી છે. નાણાં મંત્રી નિર્મલા સીતારામણે ગુરૂવારે સવારે ટ્વીટરના માધ્યમથી આ જાણકારી આપી હતી. આ સમાચાર દેશના કરોડો લોકો માટે ખૂબ જ રાહતની વાત છે. સરકારે બુધવારે 1 એપ્રિલ, 2021થી નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરને ઘટાડી દીધા હતા.

વ્યાજ દરોમાં કાપનું આ નોટિફિકેશન નવા નાણાંકીય વર્ષના પ્રથમ 3 મહિના માટે જાહેર કરવામાં આવ્યું હતું. નાણાં મંત્રીએ હવે તમામ યોજનાઓ પર પાછલા માર્ચ ત્રિમાસ દરમિયાન જે વ્યાજ દર હતો તે જ લાગુ રહેશે તેમ જણાવ્યું હતું.

- Advertisement -

સરકારે બુધવારના નોટિફિકેશનમાં કહ્યું હતું કે, સામાન્ય બચત ખાતાઓમાં જમા રાશિ પર વ્યાજ દરને 4 ટકા ઘટાડીને વાર્ષિક 3.5 ટકા કરી દેવાશે. આ સાથે જ એક વર્ષથી લઈને 5 વર્ષ માટેની નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરમાં પણ કાપ મુકવામાં આવ્યો હતો.

5 વર્ષ સુધીની રિકરિંગ ડિપોઝિટ યોજના પર વ્યાજ દર 5.8 ટકાથી ઘટાડીને 5.3 ટકા કરી દેવામાં આવ્યો હતો. ઉપરાંત વરિષ્ઠ નાગરિકોની બચત યોજનાઓ પરના વ્યાજ દરને 7.4 ટકાથી ઘટાડીને 6.5 ટકા કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જ રીતે રાષ્ટ્રીય બચત પત્ર, કિસાન વિકાસ પત્ર પરના વ્યાજ દર પણ ઘટાડવામાં આવ્યા હતા. પીપીએફ પર મળતા વ્યાજના દરને 7.1 ટકાથી ઘટાડીને વાર્ષિક 6.4 ટકા કરી દેવામાં આવ્યો હતો. એક વર્ષ સુધીની જમા પરના વ્યાજ દરને 5.5 ટકાથી ઘટાડીને 4.4 ટકા ત્રણ મહિના માટે કરી દેવામાં આવ્યો હતો. ગત વર્ષે જ સંસદમાં ત્રણ મજૂર વેતન બિલને પસાર કરી દેવામાં આવ્યા હતા. જેનો અમલ પહેલી એપ્રીલથી કરવાનો હતો. જોકે આ કાયદા સુધારાની કોપીઓને દેશભરમાં ટ્રેડ યુનિયનોએ સળગાવવાની જાહેરાત કરી હતી. 15મી માર્ચથી આ કાયદાના વિરોધમાં અનેક લેબર યુનિયન વિરોધ પ્રદર્શન કરી ચુક્યા છે. આ સ્થિતિ વચ્ચે હવે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે પહેલી એપ્રીલથી આ કાયદા સુધારાનો અમલ નહીં કરવામા આવે. શ્રમ મંત્રાલય ચાર કોડ ઇન્ડસ્ટ્રિયલ રિલેશન્સ, વેજિસ, સોશિયલ સિક્યોરિટી, મજૂરોનું સ્વાસ્થ્ય અને વર્કિંગ કંડિશન વગેરેમાં સુધારા કરવામાં આવ્યા છે. એવામાં અહેવાલો છે કે રાજ્યોએ હજુસુધી આ સુધારાના અમલ માટેના નિયમો નથી ઘડયા તેથી તેના અમલના સમયગાળાને લંબાવવામાં આવે છે. કોરોના મહામારી બાદ લાગુ થયેલા લોકડાઉનને કારણે અનેક લોકો બેરોજગાર બની ગયા હતા. જ્યારે હાલ કોરોના ફરી માથુ ઉચકી રહ્યો છે એવામાં ફરી લોકોની રોજીરોટી પર અસર પડી રહી છે. એવામાં નિષ્ણાંતોનો દાવો છે કે હાલ ગમે તે વળતર મળે લોકો કામ કરવા માટે તૈયાર થઇ જશે, અને એવામાં આ કાયદાઓનો અમલ પણ કરી દેવામાં આવી શકે છે. મજૂર સંગઠનોનો દાવો છે કે ચાર કોડ ઓન વેજિસ 2019, હેલ્થ એન્ડ વર્કિંગ કંડિશન કોડ 2020, કોડ ઓન સોશિયલ સિક્યોરિટી 2020 દેશના મોટા બિઝનેસમેન અને નોકરી આપનારી કંપનીઓની તરફેણમાં અને મજૂરો તેમજ કર્મચારીઓના વિરુદ્ધમાં છે. કામના કલાકોમાં વધારો થવાથી શોષણ વધી શકે છે. પોતાની મનમાનીથી કર્મચારીઓને કાઢી મુકવામાં આવી શકે છે. જેને પગલે એવો દાવો થઇ રહ્યો છે કે આ કાયદાઓના અમલથી મજૂરો અને કર્મચારીઓનું શોષણ વધી શકે છે. જોકે સરકારનો દાવો છે કે આ કાયદાઓથી મજૂરો અને કર્મચારીઓને જ વધુ ફાયદો થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular