રાજય સહિત જામનગર શહેરમાં પણ વધી રહેલાં કોરોનાના કેસને ધ્યાનમાં લઇ લાપરવાહ લોકોને નિયમોનું ભાન કરાવવા માટે તંત્ર મેદાને પડયું હતું. એસડીએમ, મામલતદાર અને પોલીસના કાફલાએ આજે શહેરમાં જી.જી. હોસ્પિટલ સામે આવેલી દુકાનો તેમજ એસટી રોડ પર કોરોના ગાઇડલાઇનના પાલન માટે ઘોષ બોલાવી હતી. ખાસ કરીને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના પાલન નહીં કરતાં લોકો સામે કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.

શહેર મામલતદાર આર. નંદાણિયાના જણાવ્યા અનુસાર હોસ્પિટલ રોડ પર સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો હોય એક ડઝન જેટલી ચા-પાનની દુકાનો બંધ કરાવવામાં આવી હતી. જયારે કેટલાક લોકો પાસે માસ્કના નિયમ અંગે દંડની વસુલાત પણ કરવામાં આવી હતી. વારંવારની સૂચનાઓ છતાં લોકો કોરોના પ્રત્યે ભારે લાપરવાહી દર્શાવતા એસડીએમ સહિતના અધિકારીઓને આજે મેદાનમાં ઉતરવાની ફરજ પડી હતી. તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહીને કારણે ઉપરોકત બન્ને વિસ્તારમાં લોકો સગેવગે તથા જોવા મળ્યા હતા.