જામનગર સહિત રાજ્યભરમાં આજથી ધો. 1 થી 5ના વર્ગો ઓફ લાઇન શરુ થયા છે. ગઇકાલે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આજથી રાજ્યમાં ધો. 1થી 5 ના વર્ગોની શાળાઓ શરુ કરવા જાહેરાત કરી હતી. જેને આધારે આજથી શાળાઓમાં ધો. 1 થી 5ના વર્ગો ઓફ લાઇન શરુ થયા હતાં. જો કે, વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રાખવામાં આવી છે. વાલીઓએ વિદ્યાર્થીઓને શાળામાં મોકલવા માટે સહમતિ પત્રક આપવાનું રહેશે. ત્યારબાદ જ શાળામાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે. ગઇકાલે શિક્ષણમંત્રી દ્વારા જાહેરાત કરાતાં જ જામનગરમાં શાળા સંચાલકો દ્વારા શાળા શરુ કરવાની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી હતી. વાલીઓને મેસેજ અને ફોન કરીને સહમતિપત્રક ભરાવામાં આવ્યા હતાં. આ ઉપરાંત વર્ગો સેનિટાઇઝ પણ કરવામાં આવ્યા હતાં.
જે વાલીઓએ સહમતિપત્ર આપ્યા તેમના બાળકોને આજથી શાળામાં પ્રવેશ અપાયો હતો. શાળા શરુ થતાં બાળકોમાં પણ ખુશી જોવા મળી હતી અને બાળકો હર્ષભેર શાળાએ પહોંચ્યા હતાં. લાંબાસમય બાદ શાળા શરુ થતાં બાળકો તેમના મિત્રો અને શિક્ષકોને મળીને ખુશ થયા હતાં. વિદ્યાર્થીઓએ માસ્ક પહેરી, સેનિટાઇઝરનો ઉપયોગ કરી શાળામાં પ્રવેશ મેળવ્યો હતો.