ભારતીય શેર બજારમાં આજે શુક્રવારે સમાપ્ત થયેલા સપ્તાહમાં સેન્સેકસ અને નિફટીમાં અઢી વર્ષનો સૌથી મોટો સાપ્તાહિક કડાકો નોંધાયો છે. આ સપ્તાહમાં બીએસઈની લીસ્ટેડ કંપનીઓમાં રૂા.17 લાખ કરોડના માર્કેટ કેપનું ધોવાણ થયું છે. બીજા અર્થમાં કહીએ તો રોકાણકારોના રોકાણમાં 17 લાખ કરોડનું તોતિંગ ઘટાડો નોંધાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ‘ખબર ગુજરાત’ દ્વારા ગત તા.20 નવેમ્બરના રોજ રજૂ કરાયેલા તજજ્ઞોના એનાલિસીસમાં ડિસેમ્બર દરમિયાન નિફટી 23600 સુધી ઘટી શકે છે તેવી સંભાવના દર્શાવવામાં આવી હતી. જે આજે તા.20 ડિસેમ્બર શુક્રવારે નિફટીએ 23600 ની સપાટી તોડી નાખી હતી. આમ નિફટી ફરી એકવાર તેની 200 દિવસની મુવીંગ એવરેજ પર પાછો ફર્યો હતો. બજારનું હાલનું સેન્ટીમેન્ટ અને વૈશ્ર્વિક પરિબળોને ધ્યાનમાં લેતા નિફટી જો 200 દિવસની મુવીંગ એવરેજ નીચે ટ્રેડ કરે છે તો આગામી દિવસોમાં નવેમ્બરમાં નોંધાયેલી 23263 ની નીચી સપાટીને ફરી એક વખત સ્પર્શી શકે છે.

ભારતીય ઇક્વિટીઓએ શુક્રવારે તેમની ખોટનો દોર લવ્યો હતો, જેમાં સેન્સેક્સ અને નિફ્ટી એક ટ્રેડિંગ સપ્તાહમાં લગભગ 5 ટકા ઘટ્યા હતા – જે અઢી વર્ષમાં સૌથી મોટો કડાકો છે. NSE નિફ્ટી 50 લગભગ 1,200 પોઈન્ટ ગબડ્યો, જ્યારે BSE સેન્સેક્સ સતત 5 સેશનમાં 4,000 પોઈન્ટથી વધુ તૂટ્યો.
યુએસ ફેડરલ રિઝર્વના હોકીશ સંકેતો, FIIની અવિરત વેચવાલી અને રોકાણકારોના સેન્ટિમેન્ટમાં ખળભળાટ મચાવતા ઊંચા વેલ્યુએશનની ચિંતાને કારણે વેચવાલી થઈ છે. NSE ઇન્ડેક્સ ચાવીરૂપ ટેકનિકલ સપોર્ટ લેવલથી નીચે સરકી ગયો છે, જ્યારે ધીમી કોર્પોરેટ કમાણીની વૃદ્ધિએ બજારની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે, જે નજીકના ગાળાની રિકવરી માટેની સંભાવનાઓને મર્યાદિત કરે છે.
20 ડિસેમ્બરના રોજ, NSE નિફ્ટી 400 પોઈન્ટથી વધુ ઘટીને 1.5 ટકા ઘટીને 23,587 પોઈન્ટ પર બંધ થયો હતો. BSE સેન્સેક્સ ઈન્ટ્રાડે લગભગ 1,350 પોઈન્ટ ઘટીને 1,176 પોઈન્ટ ઘટીને 78,042 પર બંધ થયો હતો. નિફ્ટીએ 13 ડિસેમ્બરે તાજેતરના સ્વિંગ હાઈથી લગભગ 5 ટકા ગુમાવ્યો છે.
હાલ ભારતીય શેરબજારમાં ચાલી રહેલું કરેકશન લાંબાગાળાના રોકાણકારો માટે સારી અને ફંડામેન્ટલ મજબુત કંપનીઓના શેરમાં રોકાણ માટેની એક સારી તક પુરી પાડે છે. જોકે, ટે્રડરોએ હજુ થોડો સમય સાવધાની રાખી ટે્રડ કરવા જરૂરી છે. કેમ કે કરેકશનનો આ દૌર હજુ થોડો સમય ચાલી શકે છે. નિષ્ણાંતોના મતે બજારના ઉચ્ચતમ લેવલથી 15 ટકા સુધીના ઘટાડાને કરેકશનનો દૌર માનવામાં આવે છે. ત્યારબાદ પણ જો ઘટાડો યથાવત રહે તો માર્કેટ મંદીના તબક્કામાં પ્રવેશી શકે છે. જે એકથી દોઢ વર્ષ સુધી ચાલી શકે છે.