જામનગર તાલુકાના હાપામાં રહેતા અને રેલવેમાં ફરજ બજાવતા યુવાને માતા અને પુત્રની બિમારી માટે ત્રણ વ્યાજખોરો પાસેથી 10 ટકા વ્યાજે રૂા. 5 લાખની લીધેલી રકમ અમુક સમય સુધી વ્યાજ સહિત ચૂકવી હતી. પરંતુ એક વ્યાજખોર પાસેથી લીધેલી રકમનું વ્યાજ ન ચૂકવી શકતાં ત્રણ વ્યાજખોરોએ આપેલા ત્રાસથી કંટાળીને રેલવેના કર્મચારીએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં પોલીસે ત્રણ વ્યાજખોરો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની તપાસ આરંભી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના હાપા ગામમાં આવેલા યોગેશ્ર્વરધામમાં રહેતા અને રેલવેમાં ફરજ બજાવતા પ્રકાશભાઇ ચનાભાઇ પરમાર (ઉ.વ.37) નામના યુવાનની માતાને બિમારી થવાથી પૈસાની જરૂરિયાત હોવાના કારણે જામનગરના હરપાલસિંહ જાડેજા પાસેથી 1.50 લાખ રૂપિયા 10 ટકા માસિક વ્યાજે લીધાં હતા. તેમજ મોન્ટુભાઇ પાસેથી 10 ટકા માસિક વ્યાજે 1 લાખ રૂપિયા અને જેન્તીભાઇ ભાનુશાળી પાસેથી 2.50 લાખ રૂપિયા 10 ટકા વ્યાજે લીધા હતા. દરમ્યાન યુવાનના પુત્રને મગજની બિમારી હોવાથી માતા અને પુત્રની બિમારી માટે વ્યાજે રકમ લીધી હતી. માતાની લાંબી બિમારીની સારવારમાં પૈસાની જરૂરિયાત હોવાથી વ્યાજે લીધેલી રકમ સારવારમાં ખર્ચાઇ જતી હતી.
તેમજ આઠ વર્ષનો પુત્ર સીડી પરથી પટકાતા હેમરેજ થવાથી તેની સારવારનો પણ મોટો ખર્ચ આવી ગયો હતો. દરમ્યાન વ્યાજખોર મુન્ના મોન્ટુભાઇએ વ્યાજે આપેલી રકમ પેટે હાપાનું રૂપિયા 15 લાખની કિંમતના મકાનના ઓરીજીનલ દસ્તાવેજો લઇ લીધા હતા અને 1 લાખના 6 લાખ રૂપિયાનું લખાણ પણ કરાવી લીધું હતું. આર્થિક સંકળામણ અનુભવતા યુવાનના સંતાનોની ફી પણ ભરી ન શકવાથી ત્રણેય સંતાનોને શાળામાંથી ઉઠાડી લીધા હતા. જેના કારણે સંતાનો અભ્યાસ કરી શકતા ન હતા. ત્રણેય વ્યાજખોરો દ્વારા યુવાન પાસે અવારનવાર વ્યાજના રૂપિયાની ઉઘરાણી કરી, હેરાન પરેશાન કરી ધમકાવતા હતા. આથી પ્રકાશભાઇએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને તેના ઘરે રાત્રિના સમયે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે હે.કો. બી. એચ. લાંબરિયા તથા સ્ટાફે ત્રણ વ્યાજખોરો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.