Thursday, July 23, 2026
Homeરાજ્યજામનગરનીટ પેપરલીક મુદ્દે જામનગરમાં પણ વિરોધ પ્રદર્શન - VIDEO

નીટ પેપરલીક મુદ્દે જામનગરમાં પણ વિરોધ પ્રદર્શન – VIDEO

નીટ પેપરલીક મુદ્દે જામનગર શહેરમાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શિક્ષણમંત્રીના રાજીનામા અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગણી સાથે રેલી યોજી કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

- Advertisement -

આવેદનપત્રમાં જણાવાયું હતું કે નીટ પેપરલીક કૌભાંડના કારણે દેશભરના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ગંભીર અન્યાય થયો છે. વિદ્યાર્થીઓને માનસિક, શૈક્ષણિક અને આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે, જ્યારે અનેક વિદ્યાર્થીઓ નિરાશા અને તણાવનો ભોગ બન્યા છે. શિક્ષણ જેવી પવિત્ર વ્યવસ્થામાં થયેલા ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી હતી.

- Advertisement -

વિરોધ પ્રદર્શન દરમિયાન રજૂ કરાયેલી મુખ્ય માંગણીઓમાં નીટ પેપરલીક કૌભાંડમાં સંડોવાયેલા તમામ જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી, કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપે, પેપરલીકના કારણે અસરગ્રસ્ત તેમજ આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓના પરિવારોને યોગ્ય આર્થિક સહાય અને ન્યાય આપવામાં આવે, ભવિષ્યમાં ભરતી અને પ્રવેશ પરીક્ષાઓમાં પેપરલીક અટકાવવા માટે મજબૂત અને પારદર્શક વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવે તેમજ દિલ્હીના જંતર-મંતર ખાતે શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ લાઠીચાર્જ માટે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

- Advertisement -

વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓનું ભવિષ્ય દેશનું ભવિષ્ય છે. તેથી સરકાર આ સમગ્ર મામલે તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી કરીને વિદ્યાર્થીઓમાં વિશ્વાસ પુન:સ્થાપિત કરે તેવી માંગ કરવામાં આવી હતી.

આવેદનપત્ર પર દિલીપ રાઠોડ અને ચેતનકુમાર ભાંભી સહિત જામનગરના જાગૃત વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ અને યુવાનોના પ્રતિનિધિઓએ સહીઓ કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular