જામનગર મહાનગરપાલિકા, સિક્કા નગરપાલિકા તથા જામનગર જિલ્લા પંચાયત તેમજ જામનગર જિલ્લાની કુલ 6 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટેનું મતદાન તા.26/04/2026 ને રવિવારના રોજ યોજવામાં આવ્યું હતું. તથા તા.28/04/2026 ના રોજ મતગણતરી યોજાનાર છે. મતગણતરીની કાર્યવાહી શાંતિપુર્ણ વાતાવરણમાં થઇ શકે, મતગણતરી દરમ્યાન કોઇપણ વ્યક્તિ ખલેલ પહોંચાડે નહી, મતગણતરી સ્થળે વ્યવસ્થામાં કોઇ બાધા કે વિક્ષેપ ઉભો ન થાય તથા મત ગણતરીની કામગીરી શાંતિપૂર્વક ચાલી શકે તે માટે મતગણતરી મથકથી 200 મીટરની ત્રિજયામાં ચારથી વધુ વ્યકિતઓને એકઠા થવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ. એમ. કાથડ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
જામનગર જિલ્લાના મત વિસ્તારની ચૂંટણી સંદર્ભે મતગણતરી માટે નિયત કરાયેલ મતગણતરી કેન્દ્રના 200 મીટરની ત્રિજયાના વિસ્તારમાં તા.28/04/2026 ના સવારના 05:00 વાગ્યાથી મતગણતરી પૂર્ણ થાય ત્યા સુધી ચાર કરતા વધારે વ્યક્તિઓની મંડળી કોઈએ ભરવી નહી કે બોલાવવી નહી કે સરઘસ કાઢવુ નહી અને એકઠા થવુ નહી.
જામનગર મહાનગર પાલિકાના વોર્ડ નં.1 થી 16ની મત ગણતરી હરિયા કોલેજ ખાતે, સિક્કા નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી ડીસીસી ટેકનીકલ હાઈસ્કુલ, જામનગર જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતોમાં મતગણતરી સ્થળ જેમાં જામનગર ગ્રામ્યમાં ઓશવાળ ઈંગ્લીશ એકેડમી ખાતે, કાલાવડ તાલુકામાં મ્યુનીસીપલ હાઈસ્કુલ ખાતે, જામજોધપુર તાલુકામાં એવીડીએસ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે, ધ્રોલ અને જોડિયામાં મતગણતરી હરધ્રોળ હાઈસ્કુલ ખાતે, લાલપુર તાલુકામાં સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે મતગણતરી યોજવામાં આવશે.
આ જાહેરનામું સરકારી નોકરીમાં અથવા તેમની ફરજની રૂએ રોજગારીમાં હોય તેવી વ્યક્તિઓને, ફરજ ઉપર હોય તેવા બિન પોલીસ દળો જેવા કે ગૃહ રક્ષક દળના સભ્યોને, લગ્નના વરઘોડાને, સ્મશાન યાત્રાને, પોલીસ અધિક્ષક અથવા તેમણે અધિકૃત કરેલ અધિકારીએ અને જિલ્લા ચૂંટણી અધિકારી/નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, સંબંધિત વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારીએ અધિકૃત કરેલ/મંજુરી આપેલ વ્યકિતઓને લાગુ પડશે નહીં. તેમ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે.


