જામનગરમાં સગીરા સાથે દુષ્કર્મના બે કેસોમાં અદાલતે બન્ને આરોપીઓની સજા તથા દંડ ફટકારતો હુકમ કર્યો છે. જેમાં એક કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા તથા રૂા. 10 હજાર દંડ અને ભોગ બનનારને વળતર પેટે રૂા. ચાર લાખ ચૂકવવા તથા બીજા કેસમાં આરોપીને દસ વર્ષની સખત કેદ અને રૂા. 10 હજાર દંડ અને ભોગ બનનારને વળતર પેટે રૂા. બે લાખ ચૂકવવા અદાલતે હુકમ કર્યો છે.

પ્રથમ કેસની વિગત એવી છે કે, ફરિયાદીની 13 વર્ષ, 9 માસની સગીર વયની પુત્રીને જામનગરનો ઝાકીર કાસમ સંઘાર દ્વારા ઇન્સ્ટાગ્રામ આઇડી ઉપર વાતચીત કરતો હતો અને આરોપી અગાઉ ફરિયાદીની બાજુમાં જ રહેતો હોય, આરોપીની બહેન ભોગ બનનારની બહેનપણી હોય, જેથી ભોગ બનનાર તેની બહેનપણીને મળવા જતી હોય, આ દરમ્યાન આરોપીના ઘરે કોઇ હાજર ન હોય, આરોપીએ ભોગ બનનાર સાથે શરીરસંબંધ બાંઘ્યો હતો. ત્યારબાદ તા. 23-08-2021ના રોજ રાત્રિના સમયે ભોગ બનનાર અને આરોપી ઘરેથી નીકળી રિક્ષામાં ગુલાબનગર સુધી ગયા હતા. ત્યાંથી એસ.ટી. બસ મારફતે રાજકોટ અને ત્યાંથી મહેસાણા, બાદમાં ઉનાવા લઇ ગયો હતો. જ્યાં ઓરડી ભાડે રાખી ભોગ બનનાર સાથે શરીરસંબંધ બાંધતા ફરિયાદીએ આરોપી ઝાકીર કાસમ સંઘાર સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે કેસ સ્પે.પોક્સો કોર્ટ, વી. પી. અગ્રવાલની કોર્ટમાં ચાલી જતા સરકાર તરફે રજૂ થયેલા સાહેદો, દસ્તાવેજી પુરાવાઓ અને સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને તકસીરવાન ઠરાવી આઇપીસી 376 (3) તથા પોક્સો કલમ 4, 6 હેઠળ સંયુક્ત રીતે 20 વર્ષની સખત કેદની સજા તથા રૂા. 10 હજાર દંડ અને દંડ ન ભરે તો, વધુ એક વર્ષની સાદી કેદની સજા તથા આઇપીસી કલમ 363 મુજબ ત્રણ વર્ષની સખત કેદની સજા, રૂા. બે હજાર દંડ અને દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા તથા આઇપીસી કલમ 366 મુજબ પાંચ વર્ષની સખત કેદની સજા, રૂા. 5 હજાર દંડ અને દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા તથા ભોગ બનનારને વળતર પેટે રૂા. 4 લાખ ચૂકવવા સ્પે. પોક્સો કોર્ટના જજ વી. પી. અગ્રવાલએ હુકમ કર્યો છે.
બીજા કેસની વિગત એવી છે કે, જામનગરના ફરિયાદીની 17 વર્ષની સગીર વયની પુત્રીને જામનગરનો ભૂરાસ્વામી ધનશેખર નાયર નામનો શખ્સ ફરિયાદીની બાજુમાં રહેતો હોય અને દોઢ વર્ષથી ઓળખાણ થઇ હોય. આરોપીની નાની બહેન ભોગ બનનારની બહેનપણી હોય, જેથી આરોપી ભોગ બનનારને અવારનવાર લગ્ન કરવાનું કહેતો હતો. ભોગ બનનાર ના પાડતી હોય છતાં આરોપી લગ્નની લાલચ આપતો હતો. તા. 18-08-2018ના રોજ ભોગ બનનાર કામ ઉપરથી ઘરે આવતી હતી. ત્યારે આરોપી તેના ઘર પાસે મળ્યો હતો અને ભોગ બનનારને પોતાના ઘરે બોલાવી હતી. પરંતુ ભોગ બનનાર ગઇ ન હતી. ત્યાર બાદ ભોગ બનનાર ઘરની બહાર નીકળતા આરોપી અને તેનો મિત્ર કાનો ત્યાં હોન્ડા લઇને ઉભા હોય, આરોપીએ ભોગ બનનારનો હાથ પકડી હોન્ડામાં બેસાડી લઇ ગયો હતો અને ત્યાંથી ઇકો ગાડીમાં બેસાડી રાજકોટ અને ત્યાંથી અમદાવાદ અને સુરત લઇ જઇ ગેસ્ટહાઉસમાં રોકાણ કરી ભોગ બનનારને શરીરસંબંધ બાંધવાનું કહેતા ભોગ બનનારે ના પાડવા છતાં આરોપીએ ભોગ બનનાર સાથે શરીરસંબંધ બાંઘ્યો હતો.
આ અંગે સિટી ‘બી’ ડિવિઝનમાં ફરિયાદીએ આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી. જે કેસ સ્પે.પોક્સો કોર્ટ, વી. પી. અગ્રવાલની કોર્ટમાં ચાલી જતા સરકાર તરફે રજૂ થયેલા સાહેદો, દસ્તાવેજી પુરાવાઓ અને સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને તકસીરવાન ઠરાવી આઇપીસી 376 તથા પોક્સો કલમ 4, 6 હેઠળ સંયુક્ત રીતે દસ વર્ષની સખત કેદની સજા તથા રૂા. 10 હજાર દંડ અને દંડ ન ભરે તો, વધુ એક વર્ષની સાદી કેદની સજા તથા આઇપીસી કલમ 363 મુજબ ત્રણ વર્ષની સખત કેદની સજા, રૂા. બે હજાર દંડ અને દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા તથા આઇપીસી કલમ 366 મુજબ પાંચ વર્ષની સખત કેદની સજા, રૂા. 5 હજાર દંડ અને દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા તથા ભોગ બનનારને વળતર પેટે રૂા. બે લાખ ચૂકવવા સ્પે. પોક્સો કોર્ટના જજ વી. પી. અગ્રવાલએ હુકમ કર્યો છે. આ બન્ને કેસમાં સરકારી વકીલ તરીકે ભારતીબેન વાદી રોકાયા હતાં.