ધ્રોલ-જોડિયા રોડ ઉપર આવેલા પેટ્રોલપંપમાં મેનેજર તરીકે ફરજ બજાવતા શખ્સે પેટ્રોલ-ડીઝલના વેચાણની રકમમાંથી 14 લાખની રકમ પોતાના અંગત ખર્ચ માટે વાપરી નાખી વિશ્વાસઘાત કર્યા બાદ રકમની માંગણી કરતાં સંચાલકોને પતાવી દેવાની ધમકી આપી હતી.
આ અંગેની વિગત મુજબ ધ્રોલ ગામમાં ધ્રોલ-જોડિયા રોડ ઉપર ચામુંડા પ્લોટ પાસે આવેલા જય દ્વારકાધીશ પેટ્રોલિયમ નામના પેટ્રોલપંપના કેતનભાઇ લાલજીભાઇ પરમાર સહિતના સંચાલકો દ્વારા પેટ્રોલપંપમાં મેનેજર તરીકે ફરજ બજાવતાં દાઉદશા અનવરશા શાહમદાર નામના કર્મચારીએ ગત્ તા. 02-12-2025 થી તા. 26-12-2025 સુધી મેનેજર તરીકેના ચાર્જ દરમ્યાન દાઉદશાએ પેટ્રોલ-ડીઝલનું રૂા. 44,95,368નું વેચાણ કર્યું હતું. આ રકમમાંથી દાઉદશાએ રૂા. 30,85,511 જમા કરાવ્યા હતા. જ્યારે બાકીના રૂા. 14,06,857 જેટલી રકમ પોતાના અંગત સ્વાર્થ માટે વાપરી નાખી પેટ્રોલપંપના સંચાલકો સાથે વિશ્વાસઘાત કર્યો હતો. આ ઉચાપતની જાણ થતાં કેતનભાઇ સહિતનાઓ દ્વારા દાઉદશા પાસે ઉચાપત કરેલી 14 લાખની રકમની માંગણી કરતાં દાઉદશાએ હાથ-પગ ભાંગી નાખવાની અને પતાવી દેવાની ધમકી આપી હતી.
આ બનાવ અંગે કેતનભાઇ દ્વારા જાણ કરાતા પીએસઆઇ એમ. એમ. કુંભારવાડિયા તથા સ્ટાફએ દાઉદશા શાહમદાર વિરૂદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી તેની ધરપકડ કરવા કમર કસી હતી.


