કાલાવડ નજીક આવેલા રણુજા રોડ પર હાથબથી રણુજા મંદિરે ચાલીને જતાં ખેડૂત યુવાનને પૂરપાટ આવી રહેલી બોલેરો પીકઅપ વાહને ઠોકર મારી હડફેટે લેતા માથામાં અને પગમાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, ભાવનગર તાલુકાના હાથબ ગામમાં રહેતાં ખેતી કરતા સંભુભાઈ પોપટભાઈ ગોહિલ (ઉ.વ.43) નામના યુવાન તેના ગામથી કાલાવડ તાલુકાના રણુજા મંદિરે પગપાળા ચાલીને દર્શન કરવા આવતા હતાં તે દરમિયાન મંગળવારે સવારે 11 વાગ્યાના અરસામાં કાલાવડ નજીક રણુજા રોડ પર સાગર સિમેન્ટના બ્લોકના કારખાના પાસેથી પસાર થતાં હતાં ત્યારે કાલાવડ તરફથી પૂરપાટ આવી રહેલી જીજે-11-ટીટી-7914 નંબરની બોલેરો પીકઅપ વાહનના ચાલકે પદયાત્રી સંભુભાઇને ઠોકર મારી હડફેટે લઇ પછાડી દેતા માથામાં તથા પગમાં ગંભીર ઈજા પહોંચતા યુવાનનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઉડી ગયું હતું. ધોળે દિવસે બનેલા હિટ એન્ડ રનના બનાવની જાણ થતા પીઆઈ વી.એસ. પટેલ તથા સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. અને મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકના ભત્રીજા નરશીભાઈ ઉર્ફે નિલેશ ગોહિલના નિવેદનના આધારે બોલેરો ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.