ધ્રોલ તાલુકાના લૈયારા ગામથી સણોસરા ગામ તરફ જતાં વૃદ્ધના બાઇકને સણોસરા ગામના પાટિયા પાસે રસ્તો ક્રોસ કરવા જતાં સમયે પૂરપાટ આવી રહેલી અર્ટીગા કારે બાઇકને પાછળથી ઠોકર મારતા અકસ્માતમાં બન્ને વૃદ્ધના મિત્રના સારવાર દરમ્યાન મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ ધ્રોલ તાલુકાના લૈયારા ગામમાં રહેતા નટુભા સિદુભા જાડેજા (ઉ.વ.64) નામના વૃદ્ધ તેના જીજે10 ડીજી 9790 નંબરના બાઇક પર તેના મિત્ર તળશીભાઇ કુરજીભાઇ શિંગાળા (ઉ.વ.67) નામના વૃદ્ધ મિત્ર સાથે મંગળવારે સવારના સમયે લૈયારા ગામથી સણોસરા ગામ તરફ જતા હતા ત્યારે જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર સણોસરા ગામ તરફ જવાના રસ્તે ગામ તરફ જવા માટે રસ્તો ક્રોસ કરતાં હતા ત્યારે પાછળથી પુરપાટ બેફિકરાઇથી આવી રહેલી જીજે03 એમએચ 2050 નંબરની અર્ટીગા કારના ચાલકે વૃદ્ધના બાઇકને પાછળથી ઠોકર મારી હડફેટ લેતાં બાઇક સવાર બન્ને વૃદ્ધો રોડ પર પટકાયા હતા. જેમાં નટુભાને માથામાં તથા પગમાં ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે તળશીભાઇને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.
ગમખ્વાર અકસ્માતમાં ઘવાયેલા બન્ને વૃદ્ધ મિત્રોને સારવાર માટે રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં નટુભા સિદુભા જાડેજા તથા તળશીભાઇ કુરજીભાઇ શિંગાળા નામના બન્ને વૃદ્ધના સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે ઇજાગ્રસ્ત નટુભાના પુત્ર દેવેન્દ્રસિંહ જાડેજાના નિવેદન દ્વારા જાણ કરાતા હે.કો. ડી. પી. વઘોરા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી અર્ટીગા કારચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


