ખંભાળિયા તાલુકાના લલિયા ગામમાં રહેતા વૃધ્ધ બાઇક પર જતા હતા ત્યારે કોઇ કારણસર પડી જતાં શરીરે તથા માથામાં ગંભીર ઇજા પહોંચતા સારવાર દરમ્યાન મોત નિપજ્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના લલિયા ગામમાં રહેતા ડાડાભાઇ લખમણભાઇ સુંભણિયા (ઉ.વ.74) નામના વૃધ્ધ ગત તા.4 ના રોજ તેના બાઇક પર બેસીને માંઝા ગામેથી જઇ રહ્યાં હતા તે દરમ્યાન રસ્તામાં અગમ્ય કારણોસર બાઇક પરથી પટકાતા શરીરે તેમજ માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત વૃધ્ધને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું સારવાર કારગત નીવડે તે પૂર્વે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગેની મૃતકના પુત્ર દેસુરભાઇ દ્વારા જાણ કરાતા પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પી.એમ. માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


