તપોવન ફાઉન્ડેશન જામનગર દ્વારા આગામી ફેબ્રુઆરી માસમાં મા-બાપ વિહોણી દિકરીઓના સમુહ લગ્ન ‘કન્યાદાન લગ્નોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે.
જામનગર શહેરમાં ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી તપોવન ફાઉન્ડેશન દ્વારા નિ:સંતાન વડીલોને વયવંદનાના ભાગરૂપે જીવનનાં વૃધ્ધત્વના સમયગાળામાં નિ:શુલ્ક શિતળ છાયડો આપવાનું પાવન કાર્ય થાય છે. આ વડીલ વાત્સલ્યધામ જામનગરના ગૌરવ સમાન અને ઉદાહરણ રૂપે બન્યુ છે. આવી ભાવના સાથે કાર્ય કરતી આ સંસ્થા દ્વારા આ કાર્ય ઉપરાંત અનેકવિધ સામાજીક અને સેવાકીય કાર્યો કરવામાં આવે છે જેમ કે સમાજમાં એવા અનેક પરિવાર છે જે કોઇપણ કારણવશ પોતાની દિકરીનાં લગ્નનો ખર્ચ કરવામાં મુશ્કેલી અનુભવતા હોય છે આવા પરિવારની દિકરીઓના લગ્ન તેના પરિવારની ઇચ્છા મુજબ સ્વતંત્ર રીતે નિ:શુલ્ક રીતે આ સંસ્થા કરાવી આપે છે એવી જ રીતે નિ:શુલ્ક યજ્ઞોપવિત (જનોઇ) આપવાનું કાર્ય પણ કરવામાં આવે છે. તદઉપરાંત કોરોના તેમજ અતિવૃષ્ટીની કુદરતી આફતોના સમયે પણ સંસ્થા દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં જરૂરીયાતમંદ પરિવારોને ભોજન પહોંચાડવામાં આવ્યો હતો. આ સિવાય પણ મેડીકલ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, તુલસીના રોપાનું વિતરણ પણ કરવામાં આવે છે.
આવા ઉદાત કાર્યોની શૃંખલામાં હવે તપોવન ફાઉન્ડેશન દ્વારા એક અનોખુ, વિશિષ્ટ અને સમાજમાં બહુ ઓછા લોકો કે સંસ્થા દ્વારા થતું સામાજીક કાર્ય કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે સમાજમાં જુદી-જુદી જ્ઞાતિઓ દ્વારા પોતપોતાની જ્ઞાતિના સમૂહ લગ્ન થતાં હોય છે. અમૂક સંસ્થાઓ પણ સમૂહ લગ્ન કરતી હોય છે પરંતુ તપોવન ફાઉન્ડેશને નિર્ણય કર્યો છે કે સમાજમાં ભાગ્યવશ એવી અનેક દિકરીઓ છે જેનું કન્યાદાન કરવા માટે માતા-પિતા હોતા નથી એટલું જ નહિં પરંતુ નબળી આર્થિક પરિસ્થિતીમાં લગ્નનો ખર્ચ ઉપાડવો પણ કઠીન હોય છે. પરિસ્થિતીવશ કોઇ મદદ કરનાર પણ હોતું નથી. સમાજમાં મા-બાપ વિહોણી શિક્ષિત દિકરીઓની માનસીક પરિસ્થિતી પણ અકલ્પનીય હોય છે. આવી વિવશ પરિસ્થતીમાં જીવતી દિકરીઓના માતા-પિતાનું દાયિત્વ સમાજ લે તે માટે તપોવન ફાઉન્ડેશન જામનગર દ્વારા કન્યાદાન સ્વરૂપે આવી દિકરીઓના સમૂહ વિવાહનું આયોજન કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયના ભાગ રૂપે આગામી ફેબ્રુઆરી-2022 માં સમાજની સર્વે જ્ઞાતિઓની માતા-પિતા વિહોણી દિકરીઓ માટે હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી કન્યાદાન રૂપે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યો છે.
કન્યાદાન માતા-પિતા માટે જીવનની અમૂલ્ય ક્ષણ છે. હિન્દુ શાસ્ત્રોમાં અને સંસ્કૃતિમાં ક્ધયાદાનને શ્રેષ્ઠ દાન ગણવામાં આવે છે. સમાજમાં જેને દિકરી ન હોય તેવા અસંખ્ય પરિવારોને આ લ્હાવો મળતો નથી હોતો. તેવા પરિવારોને પણ આ પૂણ્ય કાર્યમાં સહયોગી થવા તપોવન ફાઉન્ડેશન આહવાન કરે છે તદઉપરાંત સમાજના સૌ સુખી સંપન્ન પરિવારોને તન, મન અને ધનથી આ કાર્યમાં સહભાગી બનવા આમંત્રણ આપે છે. સમાજરૂપી માતા પિતા કર્તવ્યભાવે આવા પુણ્યશાળી કાર્યમાં સહયોગી બને અને તપોવન ફાઉન્ડેશન સાથે જોડાય તે અપેક્ષીત છે.
આ કન્યાદાન સમૂહ લગ્ન તપોવન ફાઉન્ડેશન દ્વારા પ્રથમ વાર યોજાઇ રહ્યા છે અને તે લગ્નોત્સવ સ્વરૂપે ધાર્મિક અને ગૌરવશાળી વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે તપોવન ફાઉન્ડેશના ફાઉન્ડર રાજેનભાઈ જાની અને ટ્રસ્ટીઓ પ્રો. વસુબેન એન. ત્રિવેદી (પૂર્વ રાજ્યમંત્રી) અને પરેશભાઇ જાની તૈયારીમાં કાર્યરત છે.
આ કન્યાદાન સમૂહ લગ્નના ફોર્મ લાભ પાંચમ, તા. 09/11/2021 મંગળવાર થી તપોવન ફાઉન્ડેશન, c/o. શિવ શક્તિ માર્કેટીંગ (અલ્ટ્રાટેક સિમેન્ટ) શરૂ સેકશન રોડ, આશાપુરા હોટલ પાસે, જામનગર-361001, મોબાઈલ: 9879510754, 95122 00516 ઉપરથી મેળવી લેવાના રહેશે.
તપોવન ફાઉન્ડેશન દ્વારા માં-બાપ વિહોણી દિકરીઓના સમૂહલગ્નનું આયોજન
આગામી ફેબ્રુઆરીમાસમાં યોજાશે સમુહલગ્ન