જામનગર શહેરમાં લોટ, પાણીને લાકડાં જેવું ભૂગર્ભ ગટરનું કામ કરી મોટો ભ્રષ્ટાચાર આચરનાર કોન્ટ્રાકટર કંપનીઓ સામે વિજીલન્સ તપાસ કરી તેને બ્લેક લીસ્ટ કરવાની માંગણી સાથે વિપક્ષી નેતા અલ્તાફ ખફીની આગેવાની હેઠળ જામ્યુકોના વિપક્ષી સભ્યોએ કમિશનરની ઓફિસ બહાર ધરણાં યોજયા હતા. તેમજ આ અંગે કમિશનરને આવેદનપત્ર આપી બન્ને કોન્ટ્રાકટર સામે તાકિદે પગલાં લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી આપવામાં આવી છે. વિપક્ષ દ્વારા આ ભ્રષ્ટાચારમાં જામ્યુકોના નાયબ ઇજનેર પણ સંડોવાયેલા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
જામ્યુકોના વિપક્ષી નેતા અલ્તાફ ખફીની આગેવાની હેઠળ વિપક્ષી સભ્યો તેમજ કોંગ્રેસના આગેવાનોએ ભૂગર્ભ ગટરના ભ્રષ્ટાચાર બાબતે આજે કમિશનરની ચેમ્બર ધરણાં યોજયા હતા. તેમજ પ્લે કાર્ડ સાથે બન્ને કોન્ટ્રાકટર સામે પગલાં લઇ બ્લેકલીસ્ટ કરવાની માંગણી કરતું આવેદનપત્ર કમિશનરને આપવામાં આવ્યું હતું. જેમાં જણાવાયા અનુસાર જામનગર શહેરમાં જુદા-જુદા વિસ્તારમાં ભૂગર્ભ પાઇપ ગટરના કામ થયા છે.
તેમાં અધિકારીની બેદરકારીને કારણે કામ વ્યવસ્થિત થયા નથી. 2016માં ગઢની રાંગ બહાર નદીના ભાગમાં ભૂગર્ભ કેનાલ જે રિવરફન્ડ અંદાજે 6.50 કરોડ રૂપિયાનો બનાવ્યો હતો. જે કેનાલ સંપૂર્ણપણે ફેઇલ છે. ચેમ્બરમાં કચરા જામ થઇ ગયા છે અને ગંદુ પાણી પસાર થતું નથી. વોર્ડ નં. 12માં રાજારામ કંપનીએ મોરકંડા રોડથી સનસીટી-2 સુધી જે કેનાલ બનાવવાની હતી તેમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાનું પણ આ પત્રમાં જણાવ્યું છે.
ગઢની રાંગની અંદરના વિસ્તારમાં જે પાઇપ ગટરનું કામ કર્યું છે. તેમાં અસંખ્ય ફરિયાદો છે. પાણીના બોરમાં ગટરના પાણી મિક્સ થાય છે. જેના કારણે લોકોનું આરોગ્ય જોખમાય છે. આ અંગે જનરલ બોર્ડમાં પણ રજૂઆત કરી હોવા છતાં આ અંગે કોઇ તપાસ થઇ નથી. આવેદનપત્રમાં ભૂગર્ભ ગટરનું કામ કરનાર રાજારામ કંપની અને એન.પી. પટેલ કોન્ટ્રાકટર પેઢી ઉપરાંત જામ્યુકોના ભૂગર્ભ ગટર વિભાગના નાયબ ઇજનેરની પણ ભ્રષ્ટાચારમાં સંડોવણી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે આ બન્ને કંપનીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી આપવામાં આવી છે.