ખંભાળિયામાં રેલ્વે સ્ટેશન નજીક આવેલી તુલસી પાર્ક સોસાયટીમાં રહેતા અને ડ્રાઈવિંગ કામ કરતા સાહિલભાઈ રફિકભાઈ ઘાવડા નામના 22 વર્ષના યુવાન મંગળવારે મોડી રાત્રીના સમયે તેમની ઈક્કો મોટરકારમાં એક મહિલાને તેમના ઘરે મૂકવા જઈ રહ્યા હતા. ત્યારે રાત્રિના આશરે એકાદ વાગ્યાના સમયે અત્રે રેલવે સ્ટેશન રોડ ઉપર નરસિંહ ભુવન વાળી ગલીમાંથી મકસુદ ઉર્ફે મખી (રહે. ગુજરાત મિલ પાસે, સલાયા નાકા), અકબર ઉર્ફે હકો બ્લોચ (રહે. એલઆઈસી ઓફિસની પાછળ) અને આવેશ સુમરા (રહે. વાય.કે.જી.એન. સોસાયટી) નામના ત્રણ શખ્સોએ સાહિલભાઈની કાર રોકાવી, અને પથ્થર વડે માર મારીને ઈજાઓ પહોંચાડ્યા બાદ તેમના ખિસ્સામાં રહેલા રૂપિયા 500 કાઢી લઈને લૂંટ ચલાવવા સબબ ખંભાળિયા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જે અંગે પોલીસે ત્રણેય શખ્સો સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ અહીંના પી.એસ.આઈ. આર.આર. ઝરૂ દ્વારા હાથ ધરવામાં આવી છે.