ધ્રોલ તાલુકાના ખારવા ગામ પાસે આવેલી ગણેશ વિદ્યા સંકુલ નર્સિંગ વિભાગમાં અભ્યાસ કરતી અને હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ રાધનપુર તાલુકાના કાકડખીલા ગામમાં રહેતી અને હાલ ધ્રોલ તાલુકાના ખારવા ગામમાં આવેલી ગણેશ વિદ્યા સંકુલના નર્સિંગ વિભાગમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી પ્રજ્ઞાબેન બાબુભાઇ પરમાર (ઉ.વ. 19) નામની હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીએ ગઇકાલે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવની જાણ થતાં પીઆઇ એચ. વી. રાઠોડ સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકના પરિવારજનોને જાણ કરી આત્મહત્યાનું કારણ જાણવા તજવીજ આરંભી હતી. અગાઉ આ હોસ્ટેલમાં એક વિદ્યાર્થિનીએ આપઘાત કર્યાનો બનાવ પણ બન્યો હતો. યુવતીની આત્મહત્યાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.


