ભગવાન દ્વારકાધીશની કર્મભૂમિ એટલે ગુજરાતના પશ્ચિમ છેવાડે આવેલ યાત્રાધામ દ્વારકા ચાર ધામોમાંનું એક ધામ અને સપ્ત મોક્ષ પૂરી તરીકે પ્રખ્યાત અને પૌરાણિક હિન્દુ તીર્થ સ્થાન ઉપર છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદેસર રીતે નોનવેજ વેચાણ ખુલ્લેઆમ થાય છે. ખાસ કરી ને આઝાદી બાદ બનાવવામાં આવેલી એક માત્ર શ્રી શારદા પીઠ સંચાલિત શ્રી શારદા પીઠ કોલેજ નજીક ૨૦થી વધુ નોનવેજની રેકડીઓ અને દુકાનો ધમધમે છે. અહીં અભ્યાસ કરવા આવતા કોલેજના વિદ્યાર્થીઓ અને યાત્રાધામ દ્વારકામાં દર્શન કરવા આવતા હિંદુ ધર્મ પ્રેમીઓની લાગણીને ઠેસ પહોચાડતી આ ખરાબ વ્યવસ્થાને આજે જગતગુરુ શંકરાચાર્ય શારદાપીઠ ના મહારાજ શ્રી દંડીસ્વામી દ્વારા દ્વારકાના પત્રકારો સાથે યોજેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે હિન્દુ ધર્મનું પૌરાણીક તીર્થસ્થાન ઉપર આ પ્રકારનું નોનવેજ નું વેચાણ અયોગ્ય છે અને તેને જેમ બને તેમ ઝડપથી બંધ કરવું જોઈએ અહીં નોનવેજ ખાઈને લોકો દારૂ પીને પણ આવે છે અને આ ગેરકાયદેસર અને હિન્દુ ધર્મને ઠેસ પહોચાડતી વ્યવસ્થાને દૂર કરવામાં આવે તેવી માંગણી કરી હતી. જે પ્રકારે ગુજરાત સરકારે ભગવાન સોમનાથનું મંદિર, અંબાજી તથા ડાકોર વગેરે ધાર્મિક સ્થાનો ઉપર નોનવેજ વેચાણ ઉપર પ્રતિબંધ લગાવ્યો છે તેવી જ રીતે યાત્રાધામ દ્વારકામાં પણ કાયમી માટે પ્રતિબંધ લગાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.