Monday, October 7, 2024
Homeરાષ્ટ્રીયદેશદ્રોહની કાર્યવાહી કરી સમાચાર ચેનલોને દબાવવામાં આવી રહી છે: કોર્ટ

દેશદ્રોહની કાર્યવાહી કરી સમાચાર ચેનલોને દબાવવામાં આવી રહી છે: કોર્ટ

દેશદ્રોહની વ્યાખ્યા નવેસરથી નિશ્ચિત કરવાનો સમય પાકી ગયો છે: સુપ્રિમ કોર્ટ

- Advertisement -

ભારતીય દંડ સંહિતામાં સામેલ દેશદ્રોહની કલમ હેઠળ વધી રહેલા કેસ અને દુરુપયોગ વચ્ચે સુપ્રીમ કોર્ટ દ્વારા સોમવારે એક મોટી ટકોર કરવામાં આવી છે. શીર્ષ અદાલતે કહ્યું હતું કે, હવે દેશદ્રોહની સીમાને પરિભાષિત કરવાનો સમય પાકી ગયો છે. અદાલત દ્વારા આંધ્રપ્રદેશની બે તેલુગુ ચેનલ સામે દેશદ્રોહની કાર્યવાહી ઉપર રોક લગાવતાં આ ટિપ્પણી કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે આંધ્રપ્રદેશની સરકારને બે ચેનલ ટીવી-ફાઈવ અને એબીએન આંધ્ર જ્યોતિ વિરુદ્ધ કોઈપણ કઠોર કદમ નહીં ઉઠાવવા કહ્યું હતું. ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચૂડે કહ્યું હતું કે, આંધ્રપ્રદેશની સરકાર દેશદ્રોહની કાર્યવાહી કરીને ચેનલોને દબાવી રહી છે. હવે સમય આવી ગયો છે જ્યારે દેશદ્રોહની પરિભાષા નક્કી થવી જોઈએ.
સુપ્રીમ કોર્ટની વિશેષ ખંડપીઠે આ બન્ને ચેનલોની અરજી ઉપર રાજ્ય સરકાર પાસેથી ચાર અઠવાડિયામાં જવાબ પણ માગ્યો છે. આ ચેનલો સામે રાજ્ય સરકાર દ્વારા રાજદ્રોહ સહિત વિભિન્ન ગુના નોંધી લેવામાં આવ્યા હતાં. જેમાં હવે સુપ્રીમ કોર્ટે સમાચાર ચેનલો અને તેનાં કર્મચારીઓ સામે કોઈપણ પ્રકારની દંડાત્મક કાર્યવાહી સામે રોક મૂકી દેવામાં આવી છે.
અદાલતે આગળ કહ્યું હતું કે, અમારું માનવું છે કે ભારતીય દંડસંહિતાની કલમ 124-એ અને વિભિન્ન વર્ગો વચ્ચે વૈમનસ્ય વધારવા સંબંધિત કલમ 1પ3ની વ્યાખ્યા થવી જરૂરી બની ગઈ છે. ખાસ કરીને અખબારી અને અભિવ્યક્તિની આઝાદીનાં સંદર્ભમાં તે પરિભાષિત થવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે, આ મામલામાં સપડાયેલી બન્ને ચેનલોએ આંધ્રમાં સત્તારૂઢ વાયએસઆર કોંગ્રેસનાં બાગી સાંસદ કે.રઘુરામ કૃષ્ણ રાજુનાં વાંધાજનક ભાષણને પ્રસારિત કર્યું હતું. જેને પગલે રાજ્ય સરકારે ચેનલો સામે રાજદ્રોહનો કેસ લગાવી દીધો હતો. ઉલ્લેખનીય છે કે રાજુએ પોતાનાં પક્ષની સરકારની જ કોરોના સંબંધિત નીતિઓની ટીકા કરી હતી. જેને પગલે દેશદ્રોહનો આરોપ લગાવીને તેની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી. રાજુને 21મી મેનાં રોજ સુપ્રીમ કોર્ટે જ જામીન ઉપર મુક્તિ આપી દીધી હતી.
આંધ્રની ઉક્ત બન્ને ચેનલોએ સુપ્રીમ કોર્ટમાં એવી રાવ કરતી અરજી દાખલ કરી હતી કે કોરોના મહામારી સંબંધિત ફરિયાદ કરનાર લોકોને દંડિત નહીં કરવાનાં અદાલતનાં આદેશનો આંધ્રની સરકાર ભંગ કરી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular