વર્ષ 1975માં લાગુ કરાયેલ કટોકટીના કાળા દિવસને 50 વર્ષ પૂર્ણ થયા છે. જામનગરમાં રહેતા નટુભાઇ ત્રિવેદીએ કટોકટીના દિવસોની નજરે જોયેલી સ્થિતિ વર્ણવી છે.
25 જૂન, 1975ના રોજ વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ ભારત અચાનક એક સરમુખત્યારશાહી રાષ્ટ્રમાં પરિવર્તિત થયો. તે સમયના વડાપ્રધાન સ્વ. ઇન્દિરા ગાંધી વધતા જતા કાનૂની, રાજકીય અને સામાજિક પડકારોમાં ઘેરાયેલા હોવાથી “આંતરિક અશાંતિ” નો ઉલ્લેખ કરીને બંધારણની કલમ 352 હેઠળ રાષ્ટ્રીય કટોકટી લાદી. 25 જુન 1975 થી 21 માર્ચ 1977ના સમયગાળાના 21 મહિના સુધી, દેશે સામૂહિક ધરપકડો, મૂળભૂત અધિકારોનું હનન અને અખબારી માધ્યમોનું ગળું દબાવવાના થઇ રહેલા પ્રયાસોનો અનુભવ કર્યો, જેને ભારતીય લોકશાહીના ઇતિહાસનો કાળો દિવસ તરીકે વ્યાપકપણે વખોડી કાઢવામાં આવ્યો.
ભારતીય લોકશાહી ઇતિહાસના કાળા દિવસથી માંડીને 21 મહિના સુધીના સમયને જેને પોતાની નજરે જોયેલ અને અનુભવેલ, એવા જામનગરના નટુભાઇ ત્રિવેદી જણાવે છે કે, અત્યારે મારી ઉંમર 80 વર્ષ છે. આજે 50 વર્ષ પહેલાની યાદો હું તાજી કરુ છું. 25 મી જુન 1975ના રોજ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ ભારત દેશમાં કટોકટી લગાડી હતી. તે સમય ખુબ જ ભયંકર હતો. લોકો પોતાની સાચી વાત કહેવા માંગતા હોય તો પણ તેમને ચુપ કરી દેવામાં આવતા હતા. અખબારો સાચા સમાચારો આપતા હોય તો તેમને પણ જેલ માં પુરી દેવામાં આવતા હતા. લોકો કોઇ પણ જાતની માંગણી કરે, રજુઆત કરે અથવા સાચી વાત કરે તો વડાપ્રધાનના કહેવાતા માણસો રજુઆતકર્તાઓને વડાપ્રધાનના આદેશથી પકડીને જેલમાં પુરી દેતા હતા. આ મેં મારી નજરે જોયેલ અને અનુભવેલ છે. કારણ કે, ત્યારે મારી ઉંમર 30 વર્ષ હતી એટલે હું સશક્ત અને સમજુ હતો તેથી આ બધો મને ખ્યાલ હતો. આ દેશની અંદર એવી ભયંકર પરિસ્થિતિ આપણા આઝાદીના ઇતિહાસમાં પહેલી વખત દેખાઇ હતી. એટલું જ નહિ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર.એસ.એસ.) ત્યારે સક્રિય હતુ તો તેમને પણ બોલવા નહોતા દેતા, સાચી વાત કરવા નહોતા દેતા. આવી પરિસ્થિતિમાં ટકવું ખુબજ કઠિન હતુ. તે કટોકટીનો કાળો દિવસ હતો તેમ આપણે ચોક્કસપણે કહી શકીએ. આજે એ વાતને 50 વર્ષ પુરા થયા છે તો પણ તે સમય યાદ કરતા કરતા મારી આંખમાં આંસુ આવી જાય છે.
વધુમાં તેઓ જણાવે છે કે, ભારતમાં થોડા દિવસો પહેલા જ યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોવા છતાં લોકો શાંતિપૂર્ણ વાતાવરણમાં રહ્યા હતા. ગુજરાતમાં કે આપણા જામનગરમાં કોઇપણ લોકોને કાંઈજ તકલીફ પડી નથી. અને સરકારે ખુબજ મદદ કરી છે તે આપણે જોઇ શકીએ છીએ અને અનુભવી શકીએ છીએ. આ જે કટોકટીની વાત કરી તે કટોકટી 21 મહિનાઓ સુધી રહી હતી અને ભયંકર પરિસ્થિતિ હતી. કોરોના દરમ્યાન પણ ભારત સરકારે તેમજ રાજ્ય સરકારે લોકોના હિત માટે ઘણા કામો કર્યા છે. આમ, સરકાર લોકોની ઘણી સેવા કરે છે અને લોકોનો બચાવ કરે છે. જે કામો આજની સરકાર કરે છે એવા કામો તે સમયમાં કોઇ કરી શક્યુ નહોતું. ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે દર વર્ષે 25 જૂનને ’સંવિધાન હત્યા દિવસ’ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. આ દિવસ 1975ની કટોકટીની અમાનુષી પીડાઓ સહન કરનારા તમામ લોકોના વિશાળ યોગદાનની યાદ અપાવશે.