દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રેટા કાલાવડ ગામે લોકશાહીનાં પવિત્ર તહેવારમાં એક અનોખો અને ઉત્સાહજનક દાખલો સામે આવ્યો છે. આ ગામે માત્ર 21 વર્ષના યુવાન મિત્રજા રામશી મારુ એ ગ્રામપંચાયતની ચૂંટણીમાં 176 મત બહુમતિથી વિજય મેળવી, સૌથી નાની ઉંમરના સરપંચ બન્યા છે.
મિત્રજાએ રાજકોટ ખાતેથી એમ.બીએ. સુધીનો ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કર્યો છે. છતાં મોટું શહેર કે વિદેશમાં કારકિર્દીનો રસ્તો પસંદ ન કરતા તેમણે પોતાના વતનની સેવા માટે નિર્ણય લેતા સ્થાનિક સ્તરે ચૂંટણી લડી અને જીત મેળવી.મિત્રજા મારુને રાજકારણ વારસામાં મળ્યું છે. તેમના દાદા ગોવાભાઈ મારુ તથા કાકા ગામના પૂર્વ સરપંચ રહી ચૂક્યા છે, જ્યારે પિતા હાલ જિલ્લા પંચાયતના સભ્ય તરીકે સેવારત છે.મિત્રજા મારુએ જાહેર કર્યું છે કે તેઓ સંપૂર્ણ રીતે ગામના સર્વાંગી વિકાસ અને ગ્રામજનોના હિત માટે સમર્પિત ભાવથી કામ કરશે. પોતાની આવડત અને શિક્ષણ નો ઉપયોગ વતનની સેવા માટે કરશે. નાની વયે સરપંચ બનવા બદલ ગામના લોકોને ગર્વ છે અને તેઓ મિત્રજાની આગેવાનીમાં ગામમાં નવી ઉર્જા અને વિકાસ લાવવાની આશા રાખી રહ્યા છે.