દ્વારકામાં આંબેડકરનગર પાસે જૂની નગરપાલિકા પાછળ રહેતાં વૃદ્ધા મોટરસાયકલ પર પોતાના પુત્ર સાથે જતા હતા. ત્યારે રસ્તામાં મીઠાપુર નજીકના પુલ ઉપર આવી રહેલી કારે અકસ્માત સર્જતા વૃદ્ધાનું મોત નિપજયું હતું. તથા તેમના પુત્રને ઇજા પહોંચયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત મુજબ દ્વારકા તાબેના આંબેડકર નગર વિસ્તારમાં જૂની નગરપાલિકા પાછળ રહેતા સામતભાઈ સીયાભાઈ ચાનપા નામના 51 વર્ષના આધેડ ગત તારીખ 22 મે ના રોજ તેમના માતા જેઠીબેન સીયાભાઈ ચાનપા (ઉ.વ. 76)ને સાથે લઈને તેમના જી.જે. 37 એમ. 4870 નંબરના મોટરસાયકલ પર જઈ રહ્યા હતા. ત્યારે મીઠાપુર નજીક આવેલા ભીમરાણા ગામના પુલથી નીચે ઉતરતી વખતે આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી મહારાષ્ટ્ર પાસિંગની એક મોટરકારના ચાલકે ફરિયાદી સામતભાઈના મોટરસાયકલ સાથે અકસ્માત સર્જ્યો હતો.
આ અકસ્માતમાં બાઈક ચાલક સામતભાઈને ફ્રેક્ચર સહિતની નાની મોટી ઈજાઓ થવા પામી હતી. આ ઉપરાંત તેમના માતા જેઠીબેનને પણ માથાના ભાગે તેમજ હાથમાં ઇજાઓ થતાં તેમને જરૂરી સારવાર આપવામાં આવી હતી અને તેમના ઘરે ચાલુ સારવાર અને બેડરેસ્ટ વચ્ચે શનિવાર તા. 20 ના રોજ તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવ અંગે મીઠાપુર પોલીસે મૃતકના પુત્ર સામતભાઈ ચાનપાની ફરિયાદ પરથી મોટરકારના ચાલક સામે બીએનએસ અને એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ મીઠાપુરના પી.આઈ. કે.એસ. ગરચર દ્વારા હાથ ધરવામાં આવી છે.


