દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શ્રાવણ માસ પૂર્વે ગેરકાયદે જુગાર રમાડતા તત્વો સામે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે લાલ આંખ કરી છે. કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામની માણકા સીમમાં જાહેરમાં ગંજીપત્તા વડે પૈસાની હાર-જીતનો જુગાર રમી રહેલા 7 શખ્સોને એલસીબી પોલીસે બાતમીના આધારે પાડેલી રેઇડ દરમિયાન રોકડ રકમ, મોબાઈલ અને મોટરસાયકલ સહિત રૂ. 1,35,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દરોડાની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા એલ.સી.બી.ના એએસઆઇ ડી. વી. જોગલને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગત તા. 2ના રોજ બપોરેના સમયગાળા દરમિયાન કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામની માણકા સીમ વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાં કેટલાક શખ્સો એકત્રિત થઈને ગંજીપત્તાના પાના વડે તીનપત્તી રોન પોલીસ નામનો જુગાર રમી રહ્યા હોવાની બાતમીના આધારે રેડ કરતા મનહરસિંહ મંગળસિંહ જાડેજા, ચર્તુસીંહ બાલુભા જાડેજા, વેલુભા હરીસીંહ જાડેજા, ભરતભાઇ રામસીભાઇ વરવારીયા, ઘેલુભાઇ ડેરાજભાઇ થારૂ, દોલુભા ઉર્ફે બાબુભા સુખુભા જાડેજા, બહાદુરસીંહ દાજીભા જાડેજાને રોકડા રૂપિયા 23,500, મોબાઈલ ફોન 5 નંગ કિંમત 11,500, મોટરસાયકલ 4 નંગ કિંમત 1,00,000 સહિત કુલ રૂપિયા 1,35,000ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


